ઘરઆંગણે જ રોજગારના સર્જનથી ગુજરાતના આદિજાતિ બાંધવો બન્યાં આત્મનિર્ભર
સ્થાનિક રોજગારના સર્જન થકી ‘આત્મનિર્ભર ગુજરાત’થી ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને ચરિતાર્થ કરતી ગુજરાત સરકાર
· રૂ.પ૦ હજારથી રૂ. ૫ લાખની મર્યાદામાં વિવિધ રોજગાર માટે આર્થિક સહાય
· આદિવાસી વિસ્તારોમાં રોજગાર સહાયક હાટ બજારોના આધુનિકીકરણની અનોખી પહેલ
· આદિજાતિલાભાર્થીઓને ડેરી પ્રવૃત્તિથીદર મહિનેવધુ રૂ. ૪,૦૦૦ જેટલી આવક
· લગભગ ૧,૪૨,૨૫૦ પશુઓ આદિજાતિના લોકોને પૂરા પાડવામાં આવ્યા છે
રાજ્યમાં આદિજાતિ વિકાસના પ્રયાસોને વધુ અસરકારક અને વેગવંતા બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ઘરઆંગણે જ રોજગારીની તકોનું સર્જન કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.રાજ્યના તત્કાલીનમુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિજાતિવિસ્તારોના સર્વાંગી વિકાસ માટે ‘વનબંધુ કલ્યાણ યોજના’ શરૂ કરી હતી, જેને આગળ ધપાવતા વર્તમાન સરકારે પાંચ વર્ષ માટે રૂ. ૧ લાખ કરોડની ‘વનબંધુ કલ્યાણ યોજના-૨’ કાર્યાન્વિત કરી છે.
ગુજરાતના આદિજાતિ બંધુઓ પોતાની આગવી સાંસ્કૃતિક ઓળખ જાળવીને વિકાસની યાત્રામાં જોડાઈને રાજ્યની પ્રગતિમાં ફાળો આપી રહ્યાં છે. રાજ્ય સરકારે વનબંધુઓના કલ્યાણ અને ઉત્કર્ષ માટે આદિજાતિ વિસ્તારોમાં સ્થાનિક રોજગારીનું સર્જન કરીને સ્વ-રોજગારીની વ્યાપક તકો ઉપલબ્ધ કરાવી છે, જે આજે ગુજરાતના જીડીપીમાં વૃદ્ધિમાં નોંધપાત્ર બની છે.
સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન વધારીને,પશુપાલન અને દૂધ ઉદ્યોગ આધારિત પ્રવૃતિઓનો વિસ્તાર કરીને,આદિવાસી યુવકોને ગુણવત્તાયુક્ત કૌશલ્ય તાલીમ પૂરી પાડીને તથા આધુનિક, વૈજ્ઞાનિક અને ટેકનિકલ સુવિધાઓનો વિકાસ કરી તેને આદિવાસી યુવકોની વધતી આજીવિકાની તકો સાથે જોડવા સહિતની સ્વરોજગારલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરી છે, જેમાં નીચે મુજબની મહત્વની પ્રવૃતિઓનો સમાવેશ થાય છે.
આદિજાતિ વિસ્તારોમાં હાટ બજારની યોજના
આદિજાતિના લોકો પોતાના ઉત્પાદનો/પેદાશોનું વેચાણ સામાન્યતઃ પંરપરાગત રીતે અને સ્થાનિક લોકોએ નક્કી કર્યા મુજબના દિવસે જાહેરમાર્ગો પર બસીને કરતા હોય છે, તેઓની નબળી સ્થિતિને કારણે તેઓ શેડ કે દુકાન ઊભી કરી શકતા નથી. આથી સરકાર દ્વારા આદિજાતિની સઘન વસતિ ધરાવતા તાલુકાઓ પૈકી દરેક તાલુકામાં હાટ શરૂ કરવાનું નક્કી કર્યું છે. ગુજરાતની આદિવાસી વિસ્તારોમાં આવા લગભગ ૧૮૨ સાપ્તાહિક હાટ ભરાય છે.
અહીં સ્થાનિક રીતે પેદા થતી કૃષિ પેદાશો, શાકભાજી, મસાલા, ગૌણ જંગલ પેદાશો, જંગલી ફળફળાદિ, મધ, કપડાં, પાલતુ પક્ષીઓ, ઈંડા, પશુઓ, માછલી વેગેરેનું વેચાણ વાજબી ભાવથી થાય છે. આ ભાવ અન્ય બજારોની સરખામણીમાં નીચા હોય છે.
ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારોમાં અમુક સ્થળોએ અદ્યતન સુવિધાઓ જેવી કે માથે શેડ સાથેના પ્લેટફોર્મ, પાર્કિંગ, ટોઈલેટની સુવિધા, વીજ-સુવિધા, પીવાના પાણીની સગવડ, સલામતી વ્યવસ્થા વગેરે માટેનાં અદ્યતન હાટ બજાર વિકસાવવાનું આયોજન કર્યું છે. આનાથી સ્થાનિક લોકોને ત્યાંથી ચીજવસ્તુઓ ખરીદવાનું સુલભ બન્યુ છે,અને તે હાટ બજારમાં વધુ મોટી સંખ્યામાં આદિવાસી બાંધવોને પોતાનાં ઉત્પાદનોના વેચાણ માટે વધુ વિશાળ જગા અને સુવિધાઓ પ્રાપ્ત થઈ છે.
કૃષિ વૈવિધ્યીકરણ પ્રાયોજના
આદિજાતિ વિસ્તારોના આદિવાસી સમુદાયો, વિશેષતઃ ગરીબી રેખા નીચે જીવતા સમુદાયોના ખેડૂતોને ઉચ્ચકક્ષાનું બિયારણ, ખાતર અને સંબંધિત તાલીમ ઉપલબ્ધ કરાવવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
કૃષિ વૈવિધ્યીકરણ પ્રાયોજના માટે જે કૃષિ પાક આવરી લેવાયા છે તેમાં મકાઈ, કારેલા, દૂધી, ટામેટા, રીંગણ, બાજરી અને રાગીનો સમાવેશ થાય છે.પ્રાયોજના અંતર્ગત બિયારણ અને ખાતર સાથેની કીટ ભાગ લેનાર લાભાર્થી ખેડૂતને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમજ ખેતી પદ્ધતિની તાલીમ પણ આ લાભાર્થી ખેડૂતોને આપવામાં આવેછે.
આ માટે કૃષિ સેવા ઉપલબ્ધકારો, ફર્ટિલાઈઝર કંપનીઓ અને કૃષિ યુનિવર્સિટીઓ સાથે ભાગીદારી કરવામાં આવી છે. આદિજાતિલાભાર્થીઓ માટે કૃષિ વૈવિધ્યીકરણ પ્રાયોજના હેઠળ વર્તમાન બજેટ વર્ષમાં રૂ. ૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ
ડેરી દ્વારા ગુજરાતના બી.પી.એલ. આદિજાતિ ઘર માટે ગતિશીલ આવક ઉત્પન્ન કરનારા સાહસમાં રૂપાંતરિત કરવા માટે આદિજાતિસમુદાયો માટેની આયોજનાનો હેતુ પ્રોજેક્ટના સમયગાળાના અંત સુધીમાં દરેક સહભાગીના મકાનમાં ઓછામાં ઓછા ચાર પ્રાણીઓનું એકમ ઉપલબ્ધ બનાવવાનું છે જેથી ડેરી મારફતે સંપૂર્ણ સમયરોજગાર પ્રવૃત્તિમાં વ્યતીત થાય.
આમાંના બે પશુઓને પ્રોજેકટ અંતર્ગત પ્રદાન કરવામાં આવે છે અને બે પશુઓને વધુ સારી રીતે પશુ વ્યવસ્થાપન અને ઉછેર વ્યવહારમાં પ્રોજેક્ટ સપોર્ટ દ્વારા લાભાર્થીઓના ઘરે વિકાસ કરવામાં આવેછે. આ યોજના હેઠળ લાભાર્થીદીઠ રોકાણ આશરે રૂ. ૮૦,૦૦૦થી રૂ.૮૪,૦૦૦થાય છે.
અન્ય ફાયદાઓમાં લોન અને સબસિડી દ્વારા દૂધાળા પશુઓની જોગવાઈ, પશુ આરોગ્ય અને સપોર્ટ સેવાઓ અને સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે નાણાકીય સહાય સામેલ છે.લગભગ ૧,૪૨,૨૫૦ પશુઓ આદિજાતિના લોકોને પૂરા પાડવામાં આવ્યા છે, લાભાર્થીઓ ડેરીની પ્રવૃત્તિઓ સાથે દર મહિને રૂ. ૩,૫૦૦ થી રૂ. ૪,૦૦૦ આવક પ્રાપ્ત કરે છે, તે આ યોજનાની મુખ્ય સિદ્ધિ છે.
આ યોજના અંતર્ગત આદિજાતિ વિસ્તારના સાત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘો તેમજ નામાંકિત એન.જી.ઓ. સાથે ભાગીદારી કરવામાં આવી છે. આદિજાતિલાભાર્થીઓ માટે સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ હેઠળ વર્તમાન બજેટ વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૨૭કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આદિજાતિના સર્વાંગી ઉત્થાન માટે આર્થિક સહાયની યોજનાઓ
આદિજાતિ વિસ્તારોના લોકોને સ્વરોજગારીના હેતુ માટે વાર્ષિક ૪ ટકાના દરે લોન પૂરી પાડવામાં આવે છે, જેમાં કુલ ધિરાણના ૧૦ ટકા ફાળો લાભાર્થીએ ભોગવવાનો છે. સ્વ-રોજગારીની તકો ઊભી કરવા આર્થિક સહાયના હેતુ માટે વિવિધ પ્રોજેક્ટ માટે જુદી-જુદી રકમની મર્યાદામાં ધિરાણ પૂરુ પાડવામાં આવે છે.
જેમાં રેડીમેડ ગાર્મેન્ટ્સ, મિની ઓઈલ મિલના હેતુ માટે રૂ. ૫ લાખની મર્યાદામાં, સિમેન્ટની હોલસેલની દુકાન, બાલ્ટી મશીન/ક્વૉરી મશીન, ટાઈપીંગ કલાસ, રાઈસ મિલ/દાળ મિલ માટે રૂ. ૨ લાખની મર્યાદામાં, એગ્રો સર્વિસ સેન્ટર/ફર્ટિલાઈઝરની દુકાન માટે રૂ. ૧.૫૦ લાખની મર્યાદામાં,
જ્યારે સ્ટેશનરીની દુકાન, ઇંટવાડા, સ્પેરપાર્ટ્સની દુકાન, અનાજ દળવાની ઘંટી, વેલ્ડીંગ મશીન, સેન્ટ્રીંગ કામના સાધનો, કાપડની દુકાન, મોટર રિવાઈન્ડીંગ, ગૃહ ઉદ્યોગ, મસાલા ખાંડવાના સાધનો, અથાણા પાપડ વડી બનાવવા જેવા વિવિધ હેતુઓ માટે રૂ. ૧ લાખની મર્યાદામાં ધિરાણની યોજનાઓ અમલમાં છે.
કરિયાણાની દુકાન, મંડપ ડેકોરેશન, રસોઈના સાધનો, ફરસખાના, કેટરીંગના સાધનો, પ્રોવિઝન સ્ટોર, ઇલેક્ટ્રોનિક સાધનો વસાવવા, પગરખાંની દુકાન, બ્યુટી પાર્લર, શાકભાજી તથા ફળ-ફળાદિના સ્ટોર માટે રૂ. ૭૫ હજારની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે.
વધુમાં,સ્વરોજગારી માટે વ્યવસાયિક સાધન સહાય માટેની સરકાર દ્વારા ચલાવવમાં આવતી ‘માનવ ગરિમા યોજના’ હેઠળ વિવિધ કીટ આપવા માટે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૧૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. -દિપક જાદવ/ભરત ગાંગાણી