વડોદરા સ્ટેશન પરથી વિદેશી દારૂના ૭ થેલા સાથે એક શખ્સ ઝડપાયો
વડોદરા,વડોદરા રેલવે સ્ટેશન નજીક ટ્રેન ધીમી પડતા ગોવાથી મંગાવેલા દારૂના થેલા ઉતારી લઇને ભાગી રહેલો એક શખ્સ ઝડપાયો છે. જ્યારે અન્ય ચાર ફરાર થઇ ગયા છે.વડોદરા ખાતે પશ્ચિમ રેલવે એલસીબીને બાતમી મળી હતી કે, ગોવાથી મંગાવેલો દારૂનો જથ્થો વડોદરા ખાતે કોચુવેલી-ઇન્દોર એક્સપ્રેસમાં લાવવામાં આવી રહ્યો છે અને તે ટ્રેન સ્ટેશન નજીક ધીમી પડે ત્યાંથી ઉતારી લેવામાં આવશે.
જેથી પોલીસનો સ્ટાફ ગત રાત્રે વોચ રાખીને અંધારામાં બેઠો હતો. જેથી કોચુવેલી-ઇન્દોર એક્સપ્રેસ વડોદરામાં પંડ્યા બ્રીજ પાસે ધીમી પડતા તેમાંથી એક શખ્સે વિદેશી દારૂ ભરેલા સાત થેલા નીચે ફેંક્યા અને અને ત્રણથી ચાર લોકો તેને લેવા માટે આવ્યા હતા. જાે કે, ત્યાં પોલીસ હાજર હોવાની શંકા જતાં દારૂની ડિલિવરી લેવા આવેલા શખ્સો ભાગ્યા હતા. જેથીમાંથી પિન્ટુ ભગવાન શર્મા (રહે. તુલસીભાઇ ચાલી, સલાટવાડા, વડોદરા)ને પોલીસે ઝડપી લીધો હતો.
પોલીસની પૂછપરછમાં પિન્ટુએ જણાવ્યું હતું કે, ઉબેદ ઉર્ફે સલમાન અંસારી ગોવાથી સુનીલ સિંઘ નામના વ્યક્તિ પાસેથી વિદેશી દારૂનો જથ્થો લઇને આવ્યો હતો અને તેણે આ થેલા ટ્રેનમાંથી સ્ટેશન નજીક તે ફેંકે ત્યારે તેને લઇ જવા માટે ૫૦૦ રૂપિયા આપીશ તેમ જણાવ્યું હતું. જેથી પિન્ટુ, સલમાન, જાવેદ, રવિ અને ટ્રેનમાં ચોકલેટ-પાન વેચતો એક શખ્સ આ થેલા લેવા આવ્યા હતા.
જેથી પિન્ટુ ઝડપાયો અને બીજા ફરાર થઇ ગયા હતા. વડોદરા રેલવે પોલીસે પિન્ટુની ધરપકડ કરી થેલામાં લાવવામાં આવેલ દારૂની ૨૬૬ બોટલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.hs3kp