એન્ફોર્સમેન્ટ ડિકેક્ટોરેટે સત્યેન્દ્ર જૈનના રહેઠાણ પર દરોડા પાડ્યા

નવી દિલ્હી, દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી વધી રહી છે. સોમવરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ તેમના ઠેકાણા(રહેઠાણ) પર દરોડા પાડ્યા છે. ઈડીએ કોલકાતા સ્થિત કંપની સાથે સંકળાયેલા હવાલા વ્યવહારોના કેસમાં આ કાર્યવાહી કરી હતી. હાલમાં સત્યેન્દ્ર જૈન ૯ જૂન સુધી ઈડીની કસ્ટડીમાં છે.
મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ૩૦ મેના રોજ જૈનની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે રવિવારે મંત્રી સત્યેન્દ્ર જૈનની પૂછપરછ દરમિયાન વકીલની હાજરીની મંજૂરી આપતા ટ્રાયલ કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી.
તમને જણાવી દઈએ કે, ઈડીએ આરોપ લગાવ્યો છે કે, જૈનના નજીકના લોકો કેટલીક કંપનીઓ સાથે સંબંધ ધરાવે છે જેની મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ કરવામાં આવી રહી છે. ૨૪મી ઓગસ્ટ ૨૦૧૭ના રોજ નોંધાયેલા કેસમાં આરોપ છે કે સત્યેન્દ્ર જૈને જાહેર સેવક હોવા છતાં હવાલા દ્વારા ૪.૮૧ કરોડ રૂપિયા મેળવ્યા હતા.
ઈડીની આ કાર્યવાહી એવા સમયે કરી છે જ્યારે દિલ્હીના મંત્રીની ધરપકડને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગયા અઠવાડિયે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપના તમામ નેતાઓની ધરપકડ કરવા જણાવ્યું હતું. તેમણે દિલ્હીના નાયબમુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ થવાની સંભાવના વ્યક્ત કરી હતી.SS2KP