બારોલીયા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
પારદર્શી પ્રશાસન માટે પ્રતિબધ્ધ રાજય સરકાર દ્વારા પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા દરેક જિલ્લામાં પાંચમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બારોલીયા ગામ ખાતે પાંચમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, સરકારના વિવિધ વિભાગો અને યોજનાઓના લાભની જાણકારી સૌ કોઇ મેળવી તેનો લાભ લઇએ તથા આડોશ-પડોશના લોકોને પણ સરકારની યોજનાઓ વિશે જાણકારી આપે તે જરૂરી છે. ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિનું આ વર્ષ છે. તેમને શ્રધ્ધાંજલી રૂપે સૌ પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળી રોજિંદા જીવનમાં કાપડની થેલીનો ઉપયોગ કરવા તથા ગામને સ્વચ્છ બનાવવામાં એક-બીજાને મદદરૂપ બનવા જણાવ્યું હતું. જેમ દિવાળીમાં આપણે ઘર સાફ કરતા હોઇએ તેમ અપણા ગામની સ્વચ્છતા જાળવવા માટે સ્વચ્છ દિવાળી અભિયાન શરૂ કરી ગામને ચોખ્ખું બનાવવા ગ્રામજનોને વિનંતી કરી હતી.
આ અવસરે બોરોલીયા ગામના સરપંચ દ્વારા અમલી વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી તથા ગ્રામજનોને યોજનાઓનો પણ લાભ લેવા જણાવ્યું હતું.
ઉપરાંત ઉપસ્થિત મહાનુભવોના હસ્તે લાભાર્થીઓને મા-કાર્ડ, વિધવા સહાય કાર્ડ, વિકલાંગ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ઼ હતું. આ કાર્યક્રમમાં જનધન યોજના, જાતિ-આવકના દાખલા, વિધવા સહાય, આધારકાર્ડ, રેશનકાર્ડ, મા-કાર્ડ, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, વૃદ્ધ પેન્શન, તથા વન વિભાગને લગતી યોજનાને લગતા પ્રશ્નો સ્થળ ઉપર હલ કરવામાં આવ્યા હતા તથા લોકોને અન્ય યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ સ્થળે મેડિકલ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મામલતદાર, નાયબ મામલતદાર, નાયબ ઇજનેર, સરપંચ, ઉપ-સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, શાળાના આચાર્ય, આસપાસના ગામના સરપંચ તથા લાભાર્થી ગ્રામજનો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન તલાટી-કમ-મંત્રી પ્રેમાભાઇ દેશમુખ દ્વારા કરવામાં આવ્યું હતું.