વિમેન હેલ્થ ફેર GCCI 2022 અંતર્ગત ‘ઉદ્યમી’ પોર્ટલનું લોન્ચિંગ કરાયું
ગુજરાતમાં મહિલાઓને મળતી સ્વતંત્રતા સૌથી મોટા પીઠબળ સમાન છે- વડાપ્રધાનશ્રીનું આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરવા મહિલાઓ પણ પ્રયત્નશીલ છેઃ મનીષાબહેન વકીલ
અમદાવાદમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે યોજાયેલા વિમેન હેલ્થ ફેર જીસીસીઆઈ 2022માં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી મનીષાબહેન વકીલે ઉપસ્થિત મહિલાઓને આત્મનિર્ભર બનીને સમાજની અન્ય મહિલાઓને આગળ લાવવા માટે પ્રયાસો કરવા અહવાન આપ્યું હતું.
મંત્રીશ્રી મનીષાબહેને વધુમાં જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા દેશ માટે આત્મનિર્ભર ભારતનું સપનું જોયું અને અને વડાપ્રધાનશ્રીના આ સ્વપ્નને સાકાર કરવા માટે દેશની મહિલાઓ પણ પ્રયત્નશીલ છે.
મંત્રીશ્રી મનીષાબહેને સમગ્ર વિશ્વમાં ગુજરાતની મહિલાઓ સૌથી અલગ તરી આવે છે, એનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ગુજરાતમાં મહિલાઓને મળતી સ્વતંત્રતા એમના માટે સૌથી મોટા પીઠબળ સમાન છે. ગુજરાતમાં મહિલાઓ ચાહે તે કરી શકે છે અને આ બાબત તેમને સફળ આંત્રપ્રેન્યોર પણ બનાવે છે.
આ કાર્યક્રમ અંતર્ગત મંત્રીશ્રીના વરદ હસ્તે ‘ઉદ્યમી’ પોર્ટલનું પણ લૉન્ચિંગ કરાયું. આ પોર્ટલ મહિલાઓના આરોગ્ય અને સુખાકારીની વિશેષ કાળજી લેવામાં ઉપયોગી બની રહેશે, એવો આશાવાદ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો. મંત્રીશ્રીએ જણાવ્યું કે આ પોર્ટલ થકી હેલ્થ ઇઝ વેલ્થ એન્ડ વેલ્થ ઇઝ હેલ્થનું સૂત્ર ચરિતાર્થ થશે.
ફેર અંતર્ગત ‘સ્વસ્થ જીવો’ના મંત્ર સાથે ઓર્ગેનિક અને ઘરે બનાવેલી વસ્તુઓનું એક્ઝિબિશન પણ યોજાયું હતું. મંત્રીશ્રીએ વિવિધ સ્ટૉલની મુલાકાત લઈને બહેનોનો જુસ્સો વધાર્યો હતો. મંત્રીશ્રીએ જણાવ્યું કે વિમેન હેલ્થ ફેર 2022 અંતર્ગત મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેની પહેલ કરવામાં આવી છે.
ઓર્ગેનિક અને ઘરે બનાવેલી વસ્તુઓ મહિલાઓને આંત્રપ્રેન્યોર બનવામાં મદદરૂપ બને છે. મહિલાઓ શિક્ષણની સાથે સાથે ઈત્તર પ્રવૃતિ પણ કરે છે અને તેને આગળ ધપાવતા તેઓ બિઝનેસ વિમેન બનવાની પણ ક્ષમતા ધરાવે છે. આજકાલ મહિલાઓ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દુનિયાના કોઈ પણ છેડા સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.
નવી નવી દિશાઓ મહિલાઓ માટે આજે મળવાપાત્ર છે તેમજ પોતાના જ પીઠબળ સાથે આજે ગુજરાતની મહિલાઓ આગળ ધપતી જોવા મળી રહી છે. એક મહિલા બીજી મહિલાને પ્રભાવિત કરે છે અને પ્રેરણા પૂરી પાડે છે.
ઓર્ગેનિક વસ્તુઓના મેળા ઉપરાંત આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે 75 સ્થળો પર બ્લ્ડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું.
જીસીસીઆઈની મહિલા પાંખનાં મંત્રી કુસુમબેન વ્યાસે જણાવ્યું કે કોરોના બાદ મહિલાઓને આરોગ્ય અને સ્વાસ્થ્યમાં આગળ લઈ જવા માટે આ કાર્યક્રમનું આયોજ કરવામાં આવ્યું છે. સારંગી કાનાણી દ્વારા ‘ઉદ્યમી’ પોર્ટલની ડિઝાઇન કરવામાં આવી છે. જીસીસીઆઈના પ્રમુખ હેમંતભાઈ શાહ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ તેમજ સેક્રેટરી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આલેખન : શ્રદ્ધા ટીકેશ