લગ્ન પ્રસંગે આવેલા બાઈકસવારનું બાઈક સ્લીપ થઈ જતાં મોત
બાયડના સાઠંબા નજીક તખતપુરા લગ્ન પ્રસંગે આવેલા બાઈકસવારનું રસ્તા પર બાઈક સ્લીપ થઈ જતાં મોત નીપજ્યું
સાઠંબા નજીક તખતપુરા ગામે લગ્ન પ્રસંગે જાનમાં આવેલા પિપોદરા ગામના બાઈકસવારનું સાંજે પરત પીપોદરા જતા સમયે તખતપુરાથી લક્ષ્મીપુરા પાટીયા વચ્ચે બાઈક સ્લીપ થઈ જતાં રસ્તા પર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતાં મોત નિપજ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પ્રાપ્ત માહિતી મુજબ બાયડ તાલુકાના પીપોદરા ગામના વિક્રમભાઈ હેમાભાઇ બારીયા ઉ. વ. ૩૭ પોતાના બાઈક નંબર જી જે ૩૧ એમ ૭૫૫૪.લઈ તખતપુરા ગામે જાનમાં આવેલા હતા.
જે સાંજના સમયે લગ્ન પ્રસંગમાંથી ઘેર પરત જતા તખતપુરાથી લક્ષ્મીપુરા પાટીયા વચ્ચે બાઈક સ્લીપ થઈ જતાં બાઈક ચાલક વિક્રમભાઈ ડામર રોડ પર ઉંંધા માથે પટકાતાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચતાં સ્થળ પર જ બાઈક સવાર વિક્રમભાઈનું મોત નીપજ્યું હતું.
બીજી બાજુ બાઈક સવાર વિક્રમભાઈના ઘરે તખતપુરા ગામ નજીક બેભાન અવસ્થામાં પડ્યા હોવાના સમાચાર પહોંચતાં તેમના કુટુંબીજનો બનાવના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળે આવી 108 એમ્બ્યુલન્સને ફોન કરતાં 108 એમ્બ્યુલન્સના ડાૅક્ટરે વિક્રમભાઈને મૃત જાહેર કર્યા હતા.
અકસ્માતના બનાવ અંગે મહેશભાઇ બળવંતભાઈ બારીયા રહે. પીપોદરાની ફરિયાદ લઇ સાઠંબા પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દિલીપ પુરોહિત. બાયડ