જામનગરમાં અંગ્રેજી દારૂના કેસમાં આરોપીની જામીન અરજી રદ્દ
જામનગર,અંગ્રેજી દારૂના વિશાળ જથ્થા સાથે પકડાયેલ આરોપીની જામીન અરજી સરકારી વકિલની દલીલોને ધ્યાને લઇ અદાલતે રદ કરી હતી. આ કેસ ની વિગતો મુજબ પ્રોહિબિશન ની કલમ ૬૫(એ),૬૫(ઈ),૧૧૬ (બી), ૮૧,૮૩, તથા ૯૮(૨) મુજબનો ગુન્હો મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં નોધાયેલ છે. ગુન્હાની ટૂંકી વિગત મુજબ આરોપી રાજેશ દેવશીભાઈ સીંચ અન્ય સહ આરોપીઓ સાથે મળી એકબીજાને મદદગારી કરી અને પૂર્વોજીત કાવતરૂ ૨ચી અન્ય આરોપીઓ સાથે ભાગીદારીમાં ઝાખર ગામની બેડીયુ સિમમા વાડીમા ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશ દારૂનો જથ્થો વાડીમા આવેલ ઓરડીના મકાનમાં વેચાણ અર્થે સંગ્રહ કરી અને અન્ય સહ આરોપીઓ સાથે મળી ઈગ્લીશ દારૂનો વિશાળ જથ્થો હેરાફેરી કરી વેચાણ કરવાના ઈરાદે મંગાવી ગુન્હો કરેલ છે.
આથી સરકારી વકીલ જમનભાઈ ભંડેરીએ કોર્ટ સમક્ષ ધારદાર દલીલ રજૂ કરી હતી અને તેમાં જણાવેલ કે હાલના આરોપીએ અન્ય આરોપીના મિલાપીપણાંમાં પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે પોતાના કબ્જા ભોગવટામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૧૬૭૬ કિં.રૂા.૫૮, ૩૮,૦૦૦/ ની રાખી મુદ્દામાલ સાથે રેઈડ દરમ્યાન પકડાઈ ગયેલ હોઈ, આવા ગંભીર પ્રકારના ગુનાના આરોપીને જામીન મુકત કરવામાં આવે તો સમાજમાં તેની વિપરીત અસર થાય અને અન્ય લોકો પણ આવા પ્રકારના ગુના કરવા પ્રેરાઈ દારૂનું વેચાણ કરી રૂપિયા કમાવાનો સીધો રસ્તો પકડી લેશે. તેમજ ફરીથી દારૂનો જથ્થો મંગાવી ગેરકાયદેસર વેચાણ કરી સમાજમાં દુષણ ફેલાવવાનું કામ કરશે અને માણસોને વ્યસનો તરફ વાળશે.
હાલના અરજદારે અગાઉ પણ જામીન મુકત થવાની અરજી આપેલ હતી જે અરજી એડિશનલ સેશન્સ કોર્ટે નામંજૂર કરેલ હોઈ. જે બાદ સેસન્સ જજ વી.જી.ત્રિવેદી સરકારી વકીલની દલીલો માન્ય રાખી આરોપીની જામીન અરજી નામંજુર કરતો આદેશ કર્યો છે.HS3KP