ગાડી પર Govt. Of Gujarat લખી રોફ જમાવતો નકલી ડેપ્યુટી સેકશન ઓફિસર ઝડપાયો
અમદાવાદ, ગાંધીનગરમાંથી પોલીસે નકલી ડેપ્યુટી સેકશન ઓફિસર(ડીવાયએસઓ)ને ઝડપી પાડયો હતો. પોલીસના હાથે રંગેહાથ ઝડપાયેલો આ ડેપ્યુટી એસઓ પોતાની ગાડી પર ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખીને રોફ જમાવતો હતો. રમેશભાઈ માધાભાઈ ચૌધરી નામના શખ્સને ગાંધીનગર એલસીબીએ ઝડપી લઇ તેની વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી રમેશ ચૌધરી પાસેથી નકલી ડીવાયએસઓના આઇકાર્ડ અને અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. પોલીસના સંકજામાં આવેલો આ નકલી ડીવાયએસઓ લોકોને મિનિસ્ટ્રી ઓફ અફેર્સ વિભાગમાં ડેપ્યુટી એસઓ તરીકે ફરજ બજાવતો હોવાનું કહેતો હતો અને રોફ મારતો હતો.
નકલી ડેપ્યુટી એસઓ તરીકે ઓળખ આપી પોતાના કામો કઢાવતો હોવાની પણ વાત સામે આવી રહી છે, તેથી હવે પોલીસે આરોપીએ અત્યારસુધી ડેપ્યુટીએસઓના નામે કયાં કયાં અને કઇ રીતે નકલી રોફ માર્યા હતા અને તેના આધારે કોઇ ગંભીર ગુનાહીત પ્રવૃત્તિ કે તોડબાજી તો આચરી નથી ને તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી શખ્સ રમેશ ચૌધરી પાસેથી કાર અને નકલી આઇડી સહિતનો મુદ્દામાલ જપ્ત કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. ગાંધીનગરમાંથી નકલી ડેપ્યુટીએસઓ પોલીસના હાથે ઝડપાતાં સરકારી વર્તુળમાં પણ ભારે ચર્ચા જગાવી હતી.