મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
મુંબઈ,ભારત જ નહીં પરંતુ વિશ્વની સર્વકાલિન મહાન મહિલા ક્રિકેટર્સમાં સામેલ મિતાલી રાજે બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ૩૯ વર્ષીય મિતાલી રાજે અગાઉ ટી૨૦ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને માર્ચમાં વન-ડે વર્લ્ડ કપમાં ભારતનું અભિયાન પૂરું થયા બાદ તે તમામ પ્રકારના ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરશે તેવું માનવામાં આવી રહ્યું હતું.
૧૯૯૯માં ૧૬ વર્ષની વયે ભારત માટે રમવાનું શરૂ કરનારી મિતાલી રાજ સર્વકાલિન મહિલા ખેલાડીઓમાંની એક છે. તેણે પોતાની ૨૩ વર્ષની કારકિર્દીમાં ૧૨ ટેસ્ટ, ૨૩૨ વન-ડે અને ૮૯ આંતરરાષ્ટ્રીય ટી૨૦ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ દરમિયાન તેણે ટીમની આગેવાની પણ કરી છે. તેની આગેવાનીમાં ભારતીય ટીમ બે વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી. તે વન-ડેમાં વિશ્વમાં સૌથી વધુ રન નોંધાવનારી ખેલાડી છે. તેણે સાત સદી અને ૬૪ અડધી સદી સાથે ૭૮૦૫ રન નોંધાવ્યા છે.
તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને જણાવ્યું હતું કે, હું નાનકડી છોકરી હતી અને ત્યારે ભારતની બ્લુ જર્સી પહેરવાની સફર પર નીકળી હતી કેમ કે દેશનું પ્રતિનિધિત્વ કરવું તે સૌથી મોટા સન્માનની વાત છે. મારી આ સફર તડકા-છાંયડાથી ભરેલી રહી છે. પ્રત્યેક ટુર્નામેન્ટે મને કંઈક નવું શીખવાડ્યું હતું અને છેલ્લા ૨૩ વર્ષ મારા જીવનના પડકારજનક અને આનંદદાયક રહ્યા હતા.
પ્રત્યેક સફરની જેમ આનો પણ અંત આવવાનો હતો. આજે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તમામ પ્રકારના ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું.
જ્યારે પણ હું મેદાનમાં ઉતરી હતી ત્યારે મેં મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો અને ભારતને જીતાડવાનો પ્રયાસ કર્યો હતો. દેશનું પ્રતિનિધિત્વ કરવાની જ્યારે પણ મને તક મળી છે તેનો મેં આનંદ ઉઠાવ્યો છે.
મને લાગે છે કે મારી કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકવાનો આ યોગ્ય સમય છે કેમ કે ભારતીય ટીમ હાલમાં પ્રતિભાશાળી યુવાન ખેલાડીઓના સક્ષમ હાથમાં છે અને ભારતીય ક્રિકેટનું ભાવિ ઘણું જ ઉજ્જવળ છે, તેમ તેણે લખ્યું હતું.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને સચિવ જય શાહનો તેમના સપોર્ટ બદલ આભાર માનું છું. ઘણા વર્ષ સુધી મેં ટીમ ઈન્ડિયાની આગેવાની કરી જે મારા માટે ગર્વની વાત છે. તેણે વ્યક્તિ તરીકે મારા ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.
મારી સફરનો અંત આવ્યો છે પરંતુ હું ક્રિકેટ સાથે જાેડાયેલી રહીશ અને ભારત અને વિશ્વમાં મહિલા ક્રિકેટના વિકાસમાં યોગદાન આપવાનું પસંદ કરીશ. હું મારા તમામ ચાહકોનો આભાર માનું છું જેમણે આટલા વર્ષો સુધી મને સપોર્ટ અને પ્રેમ આપ્યો, તેમ મિતાલીએ લખ્યું હતું.SS2KP