બોટાદ-ભાવનગરમાં ઝાપટા: સિહોરમાં વિજળીએ યુવકનો ભોગ લીધો
રાજકોટ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ સુધી લોકલ ફોર્મેશન અંતર્ગત ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે. ખાસ કરીને અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદની આગાહી કરાઇ છે.
ગત મંગળવારે અમરેલી પંથક, ભાવનગર, વાંકાનેરમાં વરસાદ પડયો હતો. ત્યારે ગઇકાલે બુધવારે સતત બીજા દિવસે પણ અમરેલીનાં સાવરકુંડલા, બોટાદ, રાણપુર અને ભાવનગર શહેરમાં ઝડપી પવન અને ગાજવીજ સાથે વરસાદ પડયો હતો તથા ભાવનગરનાં સિહોરનાં ખારી ગામે ગઇકાલે વિજળી ત્રાટકતા ખેતરમાં કામ કરતા 15 વર્ષના તરૂણનું મોત નિપજવા પામ્યું હતું.
દરમ્યાન સાવરકુંડલાથી મળતા અહેવાલો મુજબ સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. બપોરના ત્રણ વાગ્યા બાદ તાલુકાના મોટા ભમોદરા નાળ સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસી ગયો હતો અને બીજા દિવસે પણ વરસાદ વરસતા ખેડુતોના ખેતરો રસ તરબોળ થયા હતા ખેડુતો જણાવી રહ્યા છે કે વરસાદ હવે વાવણી લાયક થઇ ગયો છે ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ વાવણી લાયક વરસાદ થતાં ખેડુતોમાં ખુશી જોવા મળી રહી છે.
જોકે મંગળવારે દોઢથી બે ઇંચ જેટલો વરસાદ હતો પરંતુ ગઇકાલે એક ઇંચથી વધારે વરસાદ નથી પડયો સાવરકુંડલા શહેરની વાત કરીએ તો સાવરકુંડલા શહેરમાં ધૂળની ડમરી ઉડયા બાદ વરસાદ શરૂ થયો હતો થોડીવાર જ વરસાદ વરસ્યા બાદ આ વિજળી પણ ગુલ થઇ હતી અને માત્ર અર્ધા ઇંચ જેટલો વરસાદ
વરસી અને શહેરમાં વરસાદે વિરામ લીધો હતો.
જયારે ગઇકાલે બોટાદમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઇ હતી દિવસોના ઉકળાટ બાદ બોટાદની ધરતીને મેઘરાજાએ ભીંજવી હતી બોટાદ તથા આજુબાજુના પંથકમાં જોરદાર ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોના મનમાં હર્ષની લાગણી જોવા મળી હતી રાણપુરમાં પણ સારો વરસાદ હોવાના વાવડ છે. તેમજ ભાવનગર જિલ્લામાં ગત સાંજે ભારે પવન ફૂંકાયો હતો અને અમુક જગ્યાએ વરસાદના ઝાપટાં વરસી ગયા હતા. એવામાં સિહોરના ખારી ગામે વીજળી પડતા ખેતરમાં કામ કરતાં 15 વર્ષના તરૂણનું મોત નીપજ્યું હતું.
ગોહિલવાડ પંથકમાં ગઈકાલે પણ બપોર બાદ વરસાદી માહોલ ઉભો થયો હતો. ભાવનગર શહેરમાં સાંજે વંટોળિયો ફૂંકાયો હતો. અને શહેરના કાળીયાબીડ, ઘોઘારોડ સહિતના વિસ્તારોમાં વરસાદ ના ઝાપટાં વરસી ગયા હતા. ભાવનગર શહેરમાં 2 મિમી વરસાદ નોંધાયો છે.
જ્યારે ભાવનગરના સિહોર પાસેના ખારી ગામે ગઈકાલે સાંજે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો અને વીજળી પડતા ખેતરમાં કામ કરી રહેલા અમૂલ લીંબાભાઇ પરમાર (ઉં.વ.15)નામના તરૂણનું મોત નીપજ્યું હતું. સિહોરના ખારી મઢડા અને આજુબાજુના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ પડયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. છેલ્લા બે દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ ઊભો મેઘરાજાની વહેલી પધરામણી થશે તેવી ખેડૂતોમાં આશા બંધાણી છે.
જયારે અમરેલીના મળતા અહેવાલો મુજબ સાવરકુંડલા શહેર તથા ગ્રામ્ય વિસ્તાર તથા રાજુલા તાલુકાનાં માંડળ ગામે તથા અમરેલીનાં લીલીયા રોડ ઉપર ગઈકાલે વરસાદ પડયો હતો. સાવરકુંડલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંગઈકાલે સતત બીજા દિવસે વરસાદ પડતા અને ધજડી ગામની સ્થાનિક નદીમાં પ્રથમ વરસાદથી પુર આવતાં લોકો પુરને નિહાળવા ઉમટી પડયા હતા.
મંગળવારે સાવરકુંડલા પંથકમાં વરસાદ વરસી ગયા બાદ ગઈકાલે બપોરનાં સમયે ફરી વરસાદનું આગમન થતાં સાવરકુંડલા શહેરમાં અર્ધો ઈંચ વરસાદ પડયાનું જિલ્લા ફલડ કંટ્રોલરૂમમાં નોંધાયું છે. જયારે સાવરકુંડલા શહેરમાં સતત બીજા દિવસનાં વરસાદનાં કારણે માર્ગ ઉપર તથા શેરી-લત્તામાં વરસાદી પાણી વહી ગયા
હતા.
ઉપરાંત સાવરકુંડલા તાલુકાનાં હાટીડા, ભમોદરા, લીખાળા, વડાલ, ધજડી, બાઢડા, સાકરપરા, મિતીયાળા જંગલ વિસ્તાર, અભરામપરા, શેલણા, નાળ, રબારીકા, હીપાવડલી, વિજપડી, વંડા સહિતના વિસ્તારોમાં હળવા ઝાંપટાથી લઈ જોરદાર વરસાદ પડી ગયો હતો.