ક્રૂડનો ભાવ ૧૨૩ ડોલરની ૧૩ વર્ષની સૌથી ઊંચી સપાટી પર
નવી દિલ્હી,રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બુધવારે વ્યાજ દરમાં ૦.૫૦ ટકાના વધારાની જાહેરાત સાથે ગ્રાહક ભાવાંક આધારિત મોંઘવારી સરેરાશ ૬.૭ ટકા રહેશે એવો અંદાજ પણ રજૂ કર્યો હતો. આ અંદાજમાં બીજા જ દિવસે ભારત સામે મોંઘવારીની લડતમાં મોટો પડકાર આવીને ઉભો છે.
ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ ૧૨૩ ડોલર પ્રતિ બેરલની ૧૩ વર્ષની ઊંચી સપાટીએ અત્યારે ચાલી રહ્યા છે. રિઝર્વ બેંકના અંદાજમાં ઇન્ડિયન બાસ્કેટ ઓફ ક્રૂડ ઓઇલ સરેરાશ ૧૦૫ ડોલર રહે તો ફુગાવો ૬.૭ ટકા રહે એવી શરત છે. ઇન્ડીયન બાસ્કેટ એટલે ભારતમાં ભાવ નક્કી કરવા માટે બ્રિટિશ બ્રેન્ટ અને ઓમાનના ક્રૂડના ભાવ આધારે ગણતરી થાય છે.
મે ૨૦૨૨માં આ બાસ્કેટનો સરેરાશ ભાવ ૧૦૯.૫૧ ડોલર હતો અને તા. ૮ જૂનના રોજ તે ભાવ ૧૧૭ ડોલર પ્રતિ બેરલ આવ્યો છે. એટલે ઊંચા ક્રૂડના ભાવ ભારત માટે એક મોટો પડકાર છે.ભારત તેની કુલ ક્રૂડ ઓઇલ જરૂરિયાતના ૮૪ ટકા આયાત કરે છે. રશિયા ઉપર વિવિધ દેશોએ પ્રતિબંધ મુક્યા પછી ભારત રશિયા પાસેથી સસ્તું ક્રૂડ મેળવવા પ્રયત્ન કરી રહ્યું છે. ક્રૂડ મળી પણ રહ્યું છે પણ તે હજુ કુલ આયાતનો એક અંશ જ છે.
બીજું, આયાત માટે ડોલર ચૂકવવા પડે. ભારતનો રૂપિયો વિવિધ કારણોસર ડોલર સામે બુધવારે વિક્રમી નીચી સપાટી ૭૭.૮૧ ઉપર બંધ આવ્યો હતો. જેમ રૂપિયો નબળો એમ આયાત મોંઘી એટલે વિશ્વ બજારમાં ભાવ ઘટે પણ રૂપિયો નબળો પડે તો ભારતને કોઇ ફાયદો થાય નહિ.
ઉલટું, ઊંચા ભાવના કારણે મોંઘવારી આયાત કરી હોય એવો ઘાટ ઉભો થાય.આ સ્થિતિમાં મોંઘવારી સામે લડતમાં ભારતમાં સ્થાનિક ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધે કે ગ્રાહકો ઊંચા ભાવ ચૂકવે એ બે જ વિકલ્પ છે.એવું ચોક્કસ લાગી રહ્યું છે કે વર્તમાન સ્થિતિમાં મોંઘવારી માટે રિઝર્વ બેન્કે હજુ વ્યાજના દર વધારવા પડશે.SS2KP