Western Times News

Gujarati News

ગુજરાતના સ્પેશ્યલાઇઝ્‌ડ યુનિવર્સિટી કોન્સેપ્ટથી યુકેનુ પ્રતિનિધીમંડળ પ્રભાવિત

ગાંધીનગર, ભારત અને યુનાઈટેડ કિંગ્ડમ(યુ.કે.)ના ઉચ્ચ શિક્ષણ નીતિના ફેરફારોને આંતરરાષ્ટ્રીય નીતિને કેન્દ્રમાં રાખીને તેને સમજવા તથા ભારતીય શિક્ષણ ક્ષેત્ર સાથે યુકેની આંતરરાષ્ટ્રીય શિક્ષણ વ્યૂહરચના શેર કરવા સહિતના વિવિધ ઉદ્દેશ્યો સાથે આજે યોજાયેલા ;ઇન્ડિયા – યુકે ટુગેધર- હાયર એજ્યુકેશન કોલોબ્રેશન કાર્યક્રમ અંતર્ગત બ્રિટિશ ડેપ્યુટી કમિશનનું પ્રતિનિધિમંડળ ગુજરાતની મુલાકાતે આવ્યુ છે.

આ પ્રતિનિધિમંડળ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીની શુભેચ્છા મુલાકાત લઈ બેઠક યોજી હતી અને વિસ્તૃત ચર્ચા કરી હતી.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન સાથે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે મેળવેલી સિધ્ધિઓથી અને “નોલેજ કોરીડોર” તરીકે ગુજરાતે પોતાની ઉભી કરેલી આગવી ઓળખથી આ પ્રતિનિધિમંડળ પ્રભાવિત થયુ હતુ.

એટલુ જ નહિ, ગુજરાતના સ્પેશ્યલાઇઝ્‌ડ યુનિવર્સિટી કોન્સેપ્ટથી અભિભુત થઇ આ પ્રતિનિધીમંડળ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન, ચિલ્ડ્રન યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી, ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી, બાયોટેક્નોલોજીકલ યુનિવર્સિટી, સ્પોર્ટસ યુનિવર્સિટી સહિતની સ્પેશ્યલાઇઝ્‌ડ યુનિવર્સિટીની વિગતો મેળવી તેની મુલાકાત લેવા તત્પરતા દર્શાવી હતી.

આ ઉપરાંત ગુજરાતમાં કાર્યરત નવી આઇ.ટી પોલિસી (૨૦૨૨-૨૭), નવી બાયોટેક્નોલોજી પોલિસી (૨૦૨૨-૨૭), નવી એસએસઆઇપી ૨.૦ પોલિસી (૨૦૨૨-૨૭) તથા રાષ્ટ્રીય શિક્ષા નીતિના ઉચ્ચ શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણના રોડમેપની પુસ્તીકા પ્રદાન કરી શ્રી વાઘાણીએ ડેલીગેશનને ગુજરાતમાં રોકાણ માટે આહવાન કર્યુ હતુ.

કાર્યક્રમ અંતર્ગત વિદ્યા સમિક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે આ બ્રિટિશ ડેપ્યુટી કમિશનના પ્રતિનિધિમંડળ સાથે રાઉન્ડ ટેબલ મંત્રણાનું આયોજન કરાયું છે. શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોરની વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠક યોજાશે, જેમાં યુકે ડેલિગેશન વર્તમાન નીતિ અને રાષ્ટ્રીય શિક્ષા નિતી-૨૦૨૦ના અમલીકરણના તબક્કાઓ અંગે પ્રાથમિક માહિતી મેળવશે.

પ્રતિનિધિમંડળને આ બેઠક એનઇપી ૨૦૨૦ કામગીરીને સમજવાની અને આ ક્ષેત્રે સુધારાઓ વિશે જાણવાની તક પૂરી પાડશે તેમજ આવનાર સમયમાં આ બાબતે થનાર નવિનિકૃત શિક્ષણ નીતિને સમજવા મદદરૂપ સાબિત થશે. ભારત સાથેના ઉચ્ચ શિક્ષણ સહયોગ માટે યુકેની પ્રાથમિકતાઓ રજુ કરવા તેમજ ભારતીય શિક્ષણ ક્ષેત્રે યુકે યુનિવર્સિટીઓની કુશળતા અંગે અને ભારતીય શિક્ષણ ક્ષેત્ર સાથેના યુકેની આંતરરાષ્ટ્રીય શિક્ષણ નીતિ રજુ કરવા આ બેઠક મહત્વની સાબિત થશે.

આ રાઉન્ડ ટેબલ મંત્રણા બેઠકમાં ઉચ્ચ શિક્ષણ સહયોગ માટે ભારતીય પ્રાથમિકતાઓ અને વ્યૂહરચનાઓની સમજ મેળવવામાં આવશે. તેમજ ભારતીય ઉચ્ચ અભ્યાસ ક્ષેત્ર અને કેન્દ્ર-રાજ્ય સરકારો સાથે આ બાબતે વાર્તાલાપ કરવામાં આવશે. આ માટે ભાગ લેતી દરેક રાજ્યની ઉચ્ચ શિક્ષણ પરિષદોના પ્રતિનિધિઓ સાથે લાઇન અપ કરવામાં આવ્યુ છે.HS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.