Western Times News

Gujarati News

ધોરણ-૯ થી ૧૨ના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમને સમાવવામાં આવશે: શિક્ષણ મંત્રી

“ભારતીય કૃષિનો ઇતિહાસ અને પ્રાકૃતિક ખેતીનો પરિચય” પ્રકરણમાં ભારતીય કૃષિનો ઇતિહાસ ઉપરાંત પ્રાચીન આત્મનિર્ભર ગ્રામ્ય વ્યવસ્થા, હરિયાળી ક્રાંતિનો ઉદ્ભભવ-પરિણામો, પ્રાકૃતિક ખેતી શા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે તેની વિસ્તૃત સમજ આપવામાં આવી

ઓછા ખર્ચે મબલખ પાકનું ઉત્પાદન થઇ શકશે, જેના થકી રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અનાજ પ્રાપ્ત થશે અને આરોગ્ય સુધરશે

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, હવે રાજ્યમાં ધોરણ-૯ થી ૧૨ના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ વિષયના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

જેનાથી વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર માહિતી, તેના લાભાલાભ તેમજ આ અંગેની પૂરતી સમજ મળી રહેશે, વાલીઓને પણ પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર કરશે. તે ઉપરાંત ઓછા ખર્ચે મબલખ પાકનું ઉત્પાદન થઇ શકશે, જેના થકી રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અનાજ પ્રાપ્ત થશે અને આરોગ્ય સુધરશે.

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ વધુમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ખતરનાક રસાયણોથી મુક્ત ખેતીના ભાવિ માટે અને દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકી તે માટેનો રોડ મેપ તૈયાર કર્યો છે. તેવી જ રીતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પણ ધરતી માતાને ઝેર આપવાનું બંધ કરી રાજ્યના ખેડૂતો પાસે કુદરતી ખેતી કરાવવાના સંકલ્પ સાથે એક મુહિમ છેડી છે.

રાજ્યમાં આ ઝીરો બજેટ ફાર્મિંગ પર ભાર મૂકી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યારે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી ધરાવતો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે.

મંત્રીશ્રી વાઘાણીએ જણાવ્યું કે, રાજ્યના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી અવસ્થા દરમ્યાન શાળાકીય અભ્યાસક્રમ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે માહિતી અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ધોરણ-૯ ના સામાજિક વિજ્ઞાન વિષયના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીના પ્રકરણનો સમાવેશ કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં લેવામાં આવ્યો છે. ત્યારબાદ ક્રમશઃ ધોરણ-૧૦, ધોરણ-૧૧ અને ધોરણ-૧રના અભ્યાસક્રમમાં પણ પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે.

મંત્રીશ્રીએ વધુ વિગત આપતા ઉમેર્યું કે, શૈક્ષણિક વર્ષ-૨૦૨૨-૨૩થી ધોરણ-૯માં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો અભ્યાસક્રમ વિષયના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેથી ધોરણ-૯ના બાળકોને આ વર્ષે જ સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમ દ્વારા તેની જાણકારી પ્રાપ્ત થશે. હવે પછીના વર્ષોમાં ક્રમશ: આગળના ધોરણોમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવનાર છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, પ્રાકૃતિક ખેતીનો સમાવેશ અભ્યાસક્રમમાં થવાથી વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર માહિતી, તેના લાભાલાભ તેમજ આ અંગેની પૂરતી સમજ મળી રહેશે. જેથી તેઓ તેમના વાલીઓને પણ પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર કરશે. આ ઉપરાંત ભવિષ્યમાં તે પોતે પણ પ્રાકૃતિક ખેતી કરીને વધારે ઉત્પાદન મેળવી શકશે તેમજ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ નહિવત પ્રમાણમાં કરશે.

જેના કારણે ઓછા ખર્ચે મબલખ પાકનું ઉત્પાદન થઇ શકશે. જેના થકી રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અનાજ પ્રાપ્ત થશે અને તેમનું આરોગ્ય સુધરશે. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ મહત્વના નિર્ણયથી રાજ્યના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થશે તેમજ વિશાળ દ્રષ્ટિએ વિચારતા રાજ્યના નાગરિકોના હિતમાં આ નિર્ણય ખૂબ જ લાભદાયી નીવડશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, “ભારતીય કૃષિનો ઇતિહાસ અને પ્રાકૃતિક ખેતીનો પરિચય” શીર્ષક હેઠળ ઉમેરવામાં આવેલા આ પ્રકરણમાં ભારતીય કૃષિનો ઇતિહાસ ઉપરાંત પ્રાચીન આત્મનિર્ભર ગ્રામ્ય વ્યવસ્થા, હરિયાળી ક્રાંતિનો ઉદ્ભભવ અને તેના પરિણામો, પ્રાકૃતિક ખેતી એટલે શું? તથા શા માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે તેની વિસ્તૃત સમજ આ પ્રકરણમાં આપવામાં આવી છે. ..વિપુલચૌહાણ / દિનેશચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.