સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના સ્ટેશનરી બજારોમાં પાઠ્ય પુસ્તકોની અછત
સરકારી શાળાઓને પાઠ્યપુસ્તક મળવામાં વિલંબ થયોઃ ખાનગી સાહિત્યમાં ૧પ થી ર૦ ટકાનો તોતિંગ ભાવ વધારો
બાયડ, કોરોનાના દેશવટા પછી હવે આગામી તા.૧૩ જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે પરંતુ જિલ્લાના સ્ટેશનરી બજારોમાં અનેક ધોરણ તેમજ વિષયોના પાઠ્યપુસ્તકોની અછત સામે આવી છે જેથી આગોતરી તૈયારી કરનારા વિદ્યાર્થીઓ નિરાશ થયા છે. સરકારી શાળાઓને એપ્રિલ-મે મહિના દરમ્યાન પાઠયપુસ્તકો મળતા હતા.
પરંતુ મે મહિનો પૂરો થયો છતા પરંતુ પાઠયપુસ્તક મંડળો દ્વારા શાળા સુધી પુસ્તકો પહોંચાડયા નથી જયારે ખાનગી સાહિત્યના ભાવમાં ૧પ થી ર૦ ટકાનો વધારો થતાં ભણતર મોંઘુ થવાની સાથે પાઠયપુસ્તકની અછત વાલીઓને અનેક રીતે પજવી રહી છે.
પાછલા ર૬ મહિના દરમ્યાન કોરોનાના કારણે અનેક ધંધા-રોજગાર ઉપર સંકટ મંડરાયું જયારે અભ્યાસક્રમ માટે પાઠયપુસ્તકો અનિવાર્ય હોય છે પરંતુ પાછલા છ મહિના દરમ્યાન કાગળના ભાવમાં તોતિંગ વધારો થતો રહ્યો છે છતાં રાજય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં પાઠયપુસ્તકો મફત આપવાની યોજનાના કારણે વાલીઓને આ વર્ષે પણ રાહત થશે પરંતુ જાણવા મળ્યા મુજબ સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના સ્ટેશનરી બજારમાં અનેક વિદ્યાર્થી- વાલીઓ પુસ્તકો ખરીદવા માટે આવતા હોય છે.
પરંતુ આશ્ચર્ય વચ્ચે સ્ટેશનરી બજારમાં પુસ્તક વિક્રેતાઓ પાસે સ્ટોક ન હોવાનું જાણવા મળ્યું છે. સરકાર દ્વારા ખાનગી પ્રકાશનોની બોલબાલા સરકારી પાઠયપુસ્તકોની બોલબાલા સરકારી પાઠયપુસ્તકો કરતા અવ્વલ રહી છે. સ્વનિર્ભર શાળાઓ દ્વારા ખાનગી પ્રકાશનોના પુસ્તકો ખરીદવા માટેના લીસ્ટ એડમીશન સાથે જ પકડાવી દેવામાં આવે છે તેમ છતાં ખાનગી પ્રકાશનોના પુસ્તકો પણ ભાવ વધારાના કારણે બજારમાં હજુ સુધી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થયા નથી.
સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાની ર૩૦૪ સરકારી શાળાઓને આમ તો ઉનાળું વેકેશન શરુ થાય તે પહેલા જૂથ શાળા મારફત પાઠયપુસ્તકો આપી દેવામાં આવે છે પરંતુ આ વર્ષે મે મહિનો પુરો થયો છતાં ધો.૧ થી ૮ ના પાઠયપુસ્તકો સરકારી શાળાઓ સુધી પહોંચ્યા નથી. અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો સંપર્ક કરતા તેમણે પણ પાઠયપુસ્તકો અંગે જાણકારી ન હોવાનું કહ્યું હતું.