સાઉથ આફ્રિકાની ટીમે રોક્યો ભારતનો વિજયરથ
વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનું સપનું તોડ્યું
પ્રથમ ટી૨૦માં ભારત સામે સાઉથ આફ્રિકાનો સાત વિકેટે વિજય, પાંચ મેચની સીરિઝમાં ૧-૦ની સરસાઈ મેળવી
નવી દિલ્હી,
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગુરૂવારે રમાયેલી પ્રથમ ટી૨૦ ક્રિકેટ મેચ હાઈસ્કોરિંગ અને રોમાંચક રહી હતી. જેમાં સાઉથ આફ્રિકાનો સાત વિકેટે વિજય થયો હતો. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં બંને ટીમના બેટર્સનો દબદબો રહ્યો હતો. ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. રિશભ પંતની આગેવાનીવાળી યજમાન ટીમે ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૨૧૧ રનનો સ્કોર નોંધાવ્યો હતો.
જેમાં ઓપનર ઈશાન કિશને ૭૬ અને હાર્દિક પંડ્યાએ ૧૨ બોલમાં અણનમ ૩૧ રનની ઈનિંગ્સ રમી હતી. જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ ૧૯.૧ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. સાઉથ આફ્રિકા માટે રાસી વાન ડેર ડુસેને ૪૬ બોલમાં સાત ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી અણનમ ૭૫ રન ફટકાર્યા હતા જ્યારે ડેવિડ મિલરે પાંચ સિક્સર અને ચાર ચોગ્ગા સાથે ૬૪ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી.
આ સાથે પ્રવાસી ટીમે પાંચ મેચની સીરિઝમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. આ વિજય સાથે સાઉથ આફ્રિકાએ ભારતને એ વર્લ્ડ રેકોર્ડ કરતા પણ અટકાવ્યું હતું અને અન્ય કેટલાક રેકોર્ડ્સ નોંધાવ્યા હતા.ભારતે આ મેચ પહેલા સળંગ ૧૨ ટી૨૦ મેચ જીતી હતી. ભારતે નવેમ્બર ૨૦૨૧થી ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં સળંગ ૧૨ ટી૨૦ મેચમાં વિજય નોંધાવ્યો હતો. જાે તેણે ગુરૂવારે સાઉથ આફ્રિકા સામે વિજય નોંધાવ્યો હોત તો તે તેનો સળંગ ૧૩મો વિજય હોત.
આ સાથે જ ભારતીય ટીમ સળંગ ૧૩ ટી૨૦ મેચ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ હોત. જાેકે, સાઉથ આફ્રિકાએ તેને વર્લ્ડ રેકોર્ડ નોંધાવતા અટકાવ્યું હતું. ભારત ઉપરાંત અફઘાનિસ્તાન અને રોમાનિયાએ પણ સળંગ ૧૨-૧૨ ટી૨૦ મેચ જીતી છે. જ્યારે આફઘાનિસ્તાન અને યુગાાન્ડા સળંગ ૧૧-૧૧ ટી૨૦ મેચ જીતવાનો રેકોર્ડ ધરાવે છે.
દિલ્હીમાં રમાયેલી પ્રથમ ટી૨૦ મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતે આપેલા ૨૧૨ રનના લક્ષ્યાંકને પાર પાડ્યો હતો. ભારત સામે કોઈ ટીમે ચેઝ કરેલો આ હાઈએસ્ટ સ્કોર છે. જાેકે, અગાઉ આ રેકોર્ડ પણ સાઉથ આફ્રિકાના નામે જ હતો. સાઉથ આફ્રિકાએ ૨૦૧૫માં ધરમશાલામાં ભારત સામે ૨૦૦ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. જ્યારે વેસ્ટ ઈન્ડિઝે ૨૦૧૬માં ભારત સામે ૧૯૩ રનનો લક્ષ્યાંક પાર પાડ્યો હતો.
સાઉથ આફ્રિકાએ ભારત સામે ૨૧૨ રનનો લક્ષ્યાંક પાર પાડ્યો, જે તેણે કોઈ પણ ટીમ સામે ચેઝ કરેલો સૌથી મોટો લક્ષ્યાંક છે. અગાઉ તેણે ૨૦૦૭માં જાેહાનિસબર્ગમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ૨૦૬, ધરમશાલામાં ૨૦૧૫માં ભારત સામે ૨૦૦ અને સેન્ચ્યુરિયનમાં ૨૦૧૮માં ભારત સામે ૧૮૯ રનનો લક્ષ્યાંક પાર પાડ્યો હતો.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચ હાઈસ્કોરિંગ રહી હતી. આ મેચમાં કુલ સાત બેટર્સે ત્રણ કે તેથી વધુ સિક્સર ફટકારી હતી. જે ટી૨૦માં એક નવો રેકોર્ડ છે. ભારત માટે ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐય્યર અને હાર્દિક પંડ્યાએ ત્રણ-ત્રણ સિક્સર ફટકારી હતી.
જ્યારે સાઉથ આફ્રિકા માટે ડ્વેઈન પ્રીટોરિયસે ચાર તથા ડેવિડ મિલર અને રાસી વાન ડેર ડુસેને પાંચ-પાંચ સિક્સર ફટકારી હતી. આ ઉપરાંત ભારત માટે સુકાની રિશભ પંતે બે સિક્સર ફટકારી હતી.sss