ગામડાંઓના વિકાસ માટે કામ કરજાેઃ અમિત શાહ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/IRMA2-1024x616.jpg)
અમિત શાહ ૪૧માં પદવીદાન સમારોહ ઉપસ્થિત રહ્યા હતાઃ ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી
આણંદ, ઇરમા યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ૪૧માં પદવીદાન સમારોહ ઉપસ્થિત રહ્યા છે. આ દરમિયાન ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી છે. જેમાં તેમને વિદ્યાર્થીઓને સંબોધિત પણ કર્યા હતા.
જેમા તેમણે જણાવ્યું કે, દેશના ગ્રામીણ વિકાસને વેગ આપવો, ગ્રામીણ વિકાસને દેશની અર્થવ્યવસ્થામાં ફાળો આપનાર બનાવવો અને ગ્રામીણ વિકાસ દ્વારા ગામડામાં રહેતા દરેક વ્યક્તિને સમૃધ્ધિ તરફ લઈ જવો, આ કર્યા વિના દેશ ક્યારેય આર્ત્મનિભર બની શકતો નથી.
તેમણે વધુમાં જણાવ્યુ કે, ‘તમને સારું જીવન જીવવાનો અધિકાર છે, પરંતુ સાથે સાથે જેઓ હજુ પણ સારા જીવનનું સ્વપ્ન જુએ છે, જેમના માટે શિક્ષણ હજુ પણ એક સ્વપ્ન છે તેમના માટે થોડો સમય કાઢજાે.’
અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામીણ વિકાસ માટે સંપૂર્ણ ગ્રામીણ વિકાસ કેવી રીતે થઈ શકે તેની કલ્પના દેશ અને દુનિયા સમક્ષ મુકવાનું કાર્ય કર્યું છે. જ્યાં સુધી વ્યક્તિનો વિકાસ નહીં થાય ત્યાં સુધી ગામનો વિકાસ થઈ શકે નહીં. જ્યાં સુધી વિસ્તારનો વિકાસ નહીં થાય ત્યાં સુધી ગામનો વિકાસ થઈ શકે નહીં. વ્યક્તિના જીવનને અનુકૂળ બનાવીએ, વિસ્તાર અને ગામડાનો વિકાસ કરીએ તો જ ગ્રામ્ય વિકાસનું આ સ્વપ્ન સાકાર થાય છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, મોદીજીએ ૮ વર્ષમાં દેશના ખૂણે ખૂણે કરોડો લોકોના બેંક ખાતા ખોલાવ્યા. મોદીજીએ દરેક ઘરમાં વીજળી, શૌચાલય પહોંચાડવાનું કામ કર્યું છે. મોદી સરકાર દેશના દરેક ઘરમાં નળથી શુદ્ધ પાણી પહોંચાડવા માટે કામ કરી રહી છે.