ઘાટલોડીયા વિસ્તારની સોસાયટીઓમાં શનિ-રવિ પાણીની તંગી સર્જાઈ
(પ્રતિનિધિ )અમદાવાદ, અમદાવાદ શહેરના કેટલાંક વિસ્તારોમાં નર્મદાનું પાણી નહીં મળવાને કારણે મોટી સંખ્યામાં જે તે વિસ્તારના રહીશો બે દિવસથી કફોડી હાલતમાં મુકાયા હતા. ટેકનિકલ કારણોસર કાપ મુકાવાને કારણે ઘાટલોડીયા વિસ્તારની સોસાયટી- ફલેટોના રહીશોએ ‘બોર’ના પાણીનો આશરો લેવો પડ્યો હતો.
તેમાંય અમુક સોસાયટીમાં તો ‘બોર’ના પાણીના તળ નીચા જતા રહેતા બોરમાં પાઈપો નાંખવાની કામગીરી કરતા પાણીને લઈને કકળાટની સ્થિતિ સર્જાઈ હતી. જાે કે ે બોરના પાણીના લીધે રહીશોને રાહત થઈ હતી.
નર્મદાના પાણીના કારણે લોકોને એટલી રાહત રહેતી હતી કે બોરના પાણીનો ઉપયોગ ઓછો કરવો પડતો હતો. મોટેભાગે નર્મદાના જળથી ટાંકીઓ ભરાઈ જતી હતી. પરંતુ ઘાટલોડીયા વિસ્તારમાં નર્મદાનું પાણી બંધ થવાથી નાગરીકો હાલાકીમાં મુકાયા હતા.
સોસાયટી-ફલેટોના ચેરમેન- સેક્રેટરીઓનેે શનિવાર-રવિવારે દોડધામ થઈ ગઈ હતી. એક તરફ વેકેશનનોે માહોલ હોવાથી ઘણા ઘરોમાં મહેમાનો આવ્યા હતા ત્યારે જ પાણીકાપ આવી જતાં પાણી લાવવુ ક્યાંથી?? તેને લઈને અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી.
બીજી તરફ જેઓની પાસે પોતાના પ્રાઈવેટ બોર હતા તેઓને પાણી મળ્યુ હતુ. પરંતુ મોટી સોસાયટીઓમાં પાણીના એક જ બોરને કારણે રહીશોને પાણીની તંગીનો અનુભવ કરવો પડ્યો હતો. દિવસે દિવસે જમીનમાં પાણીના સ્તર નીચે જતા હવે પ્રાઈવેટ બોર ધરાવનારાઓને પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.