અડાલજનાં દંપતીની હત્યાનો કેસ હજુ નથી ઉકેલાયો
અમદાવાદ, અડાલજમાં દંપતીના હત્યા કેસમાં પોલીસ ઊંડી તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી આરોપીઓ સુધી પહોંચવાનું પગેરું મળ્યું નથી. હવે આ કેસમાં ગાંધીનગરની પોલીસ ઓનર કિલિંગ (પરિવારના સભ્યોએ જ હત્યા કરી હોય તે)ના એંગલ પર પણ તપાસ કરી રહી છે.
અડાલજમાં નર્મદા કેનાલ પાસેથી મહિલા અને પુરુષનું સળગેલી હાલતમાં હાડપિંજર મળી આવ્યું હતું. દંપતી ગુમ થયાની કોઈ ફરિયાદ નોંધાઈ છે કે કેમ તેવી તપાસની સાથે ૮,૦૦૦ કેસનો અભ્યાસ કરી રહી છે કે જેમાંથી આ કેસને આગળ વધારવામાં કોઈ મદદ મળી શકે.
પોલીસ માટે પણ આ કેસ એક કોયડો બની ગયો છે કે જેમાં સળગેલી હાલતમાં દંપતી મળ્યા પછી તેના સગા કોણ છે? અહીં તેમને કોણ લાવ્યું? આ હત્યા પાછળ કોનો હાથ છે? દંપતીને અહીં કઈ રીતે લાવવામાં આવ્યું? જેવા અનેક સવાલો થઈ રહ્યા છે. અડધી બળેલી લાશના હાથમાં રહેલી ચાંદીની તથા ખોટા સોનાની વીંટી તથા જીન્સ પેન્ટનું લેબલ અને પુરુષના અંડર ગાર્મેન્ટનો ઉપરનો ભાગ મળી આવ્યા છે.
હત્યા દરમિયાન મૃતક મહિલાએ સાડી પહેરવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે અહીંથી બ્લાઉસના હુક પણ મળી આવ્યા છે. બસ આ બળેલા પુરાવાના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચવા માટે પ્રયાસો કરી રહી છે.
પરંતુ હજુ સુધી પોલીસના હાથમાં કોઈ નક્કર પુરાવા કે કેસને આગળ વધારી શકાય તેવા સુરાગ મળ્યા નથી. ઘટનાની તપાસ માટે હજારો ફોન નંબરોની પણ તપાસ કરવામાં આવી છે.
એક પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું છે કે, “અમે ગુમ થયા અંગે અને અપહરણની ફરિયાદોની તપાસ કરી રહ્યા છીએ, જાેકે, અમને મૃતકો અંગે હજુ સુધી કોઈ પગેરું મળ્યું નથી.” અધિકારીનું માનવું છે કે આ ઓનર કિલિંગનો કેસ હોવાની પ્રબળ સંભાવના છે.
તેમણે જણાવ્યું કે, “તપાસ દરમિયાન ગાંધીનગર, અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લો, ખેડા જિલ્લો, સાબરકાંઠા જિલ્લો અને મહેસાણાના ૧૩૬ પોલીસ સ્ટેશનમાં પાછલા ૬ મહિનામાં નોંદાયેલા ગુમ થયાની અને અપહરણની ઘટના સંબંધિત કેસોની તપાસ કરવામાં આવી છે.
હવે એક વર્ષ જૂના કેસની તપાસ કરવામાં આવશે. પોલીસે કહ્યું કે આ કેસમાં ગુજરાત પર ફોકસ કરશે.” અધિકારીએ કહ્યું કે, “એવું લાગે છે કે હત્યારો કે હત્યારા આ જગ્યાથી પરિચિત હતા, જે જગ્યા તેમણે બન્નેને મારવા માટે પસંદ કરી હતી. દંપતીને મારવા માટે બોથડ વસ્તુ દ્વારા તેમના માથામાં પ્રહાર કરવામાં આવ્યા અને પછી પુરાવાનો નાશ કરવા માટે બન્નેના મૃતદેહોને સળગાવી દેવામાં આવ્યા હતા.SS1MS