પુત્રએ જ સગા પિતાની હત્યા કરી

વાલિયા તાલુકાના લીંબેટ ગામે પુત્રએ જ સગા પિતાની હત્યા કરતા હત્યારા પુત્રની ધરપકડ
પિતાને માર માર્યા બાદ પુત્ર સારવાર માટે હોસ્પિટલ ખાતે લાવતા ટૂંકી સારવાર દરમ્યાન મોત
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકાના લીંબેટ ગામે નજીવી બાબતે સગા દીકરાએ પિતાને માર મારતા ઈજાગ્રસ્ત પિતાને હત્યારો પુત્ર સારવાર માટે હોસ્પિટલ ખાતે લાવતા ટૂંકી સારવાર દરમ્યાન મોત થતા પોલીસે મૃતકના સગા દીકરા સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકાના લીંબેટ ગામે રહેતા સંજયભાઈ છનાભાઈ વસાવા પોતાના જ પિતા છનાભાઈ દેવાસીયાભાઈ વસાવાને કોઈ બાબતે ઝઘડો કરી છનાભાઈને સગા દીકરાએ જ લાકડીના સપાટા મારી ગંભીર ઈજા પહોંચાડતા હુમલો કરનાર
પુત્ર સંજય વસાવા પોતે જ પોતાના પિતાને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા એક રાત્રીની સારવાર બાદ વહેલી સવારે મોત થતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
રાજપારડી પોલીસે હલ તો પુત્ર સંજય વસાવાની ધરપકડ કરી મૃતક છનાભાઈ વસાવાને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે.પરંતુ પુત્રના હાથે જ પોતાના પિતાની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે.