ગાંધી આશ્રમ નવીનીકરણ પ્રોજેક્ટમાં સુનાવણી: હાઈકોર્ટે સરકાર અને AMCને નોટિસ ફટકારી
અમદાવાદ, અમદાવાદના સાબરમતી આશ્રમના પ્રસ્તાવિત રિડેવલપમેન્ટના વિરોધમાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કરેલી જાહેર હિતની અરજી અંગે ફરી એકવાર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજે હાથ ધરાયેલી સુનાવણીમાં અરજદારના વકીલ ભૂષણ ઓઝા હાજર ન હોવાથી કાર્યવાહી થઈ શકી નહી. પરંતુ હાઈકોર્ટે આ મામલે કોર્પોરેશન અને રાજ્ય સરકાર સહિત અન્ય પક્ષકારોને નોટિસ પાઠવી છે. જે મામલે આગામી ૫ જુલાઇના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
અગાઉ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર વતી કરવામાં આવેલા નિવેદન બાદ આ અરજીનો નિકાલ કર્યો હતો. બાદમાં આ સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ અંગેની સુનાવણી ફરી ગુજરાત હાઇકોર્ટને બંને પક્ષે સાંભળી હુકમ કરવા નિર્દેશ આપ્યા હતા. શરૂઆતમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે ગાંધી આશ્રમના કોર એરિયામાં કોઇપણ પ્રકારનો બદલાવનું આયોજન ન હોવાનું નિવેદન કર્યું હતું, બાદમાં ખંડપીઠે અરજીનો નિકાલ કર્યો હતો, પછીથી મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.
અગાઉ સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એક સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં ગાંધીજીના મૂલ્યો અને તેમનાં વારસાને મહત્તમ લોકો સુધી પહોંચાડી શકાય એ દિશામાં સરકારના પ્રયાસ હોવાનુ કહેવામાં આવ્યું છે. આગામી પેઢીને ગાંધીજીના મૂલ્યો અને વારસા બાબતે અવગત થાય તે માટે આશ્રમ આસપાસનું ડેવલપમેન્ટ જરૂરી છે. ગાંધી આશ્રમનો કોર એરિયા બદલાશે નહીં. ગાંધી આશ્રમ આસપાસ કુલ ૫૫ એકર જગ્યા પર ગાંધી આશ્રમ ડેવલપમેન્ટનું આયોજન હોવાનું જણાવ્યું હતું.SS3KP