Western Times News

Gujarati News

ગાંધીનગરમાં જળ સંગ્રહશક્તિમાં ૮૪.૪૦ લાખ ઘનફુટ જેટલો વધારો થયો

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગાંધીનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન- ૨૦૨૨ અંતર્ગત ૧૧૬ કામો કરવામાં આવ્યા છે. આ કામો થકી જિલ્લામાં જળસંગ્રહશક્તિમાં ૮૪.૪૦ લાખ ઘન ફૂટ જેટલો વઘારો થયો છે. તેમજ જિલ્લામાં ૧૬ કિલોમીટર થી વધારે કાંસોની સફાઇ પણ કરવામાં આવી છે.

સમગ્ર રાજયમાં વર્ષ- ૨૦૧૮માં જળ સંગ્રહશક્તિ વઘારવા, પાણીનો બગાડ અટકાવવા તથા લોકમાનસમાં જાગૃતિ લાવવાના ઉમદા આશયથી સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. સુજલામ સુફલામ જળ અભિયાન- ૨૦૨૨નો આરંભ રાજયભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામ ખાતેના તળાવથી કરવામાં આવ્યો હતો.

સમગ્ર રાજય સહિત ગાંધીનગર જિલ્લામાં તા.૧૯મી માર્ચથી આરંભ થયેલા અભિયાન થકી જળ સંગ્રહ કરવાના અનેક કામો કરવામાં આવ્યા છે. આ અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં લોકભાગીદારીથી ૫૨ કામો, મનરેગા હેઠળ ૨૩ કામો તથા વિભાગીય રીતે ૪૧ કામો મળી કુલ- ૧૧૬ કામોનો આરંભ કરવામાં આવ્યો હતો.

જેમાં દહેગામ તાલુકામાં ૩૬, ગાંધીનગર તાલુકામાં ૨૭, કલોલ તાલુકામાં ૨૬ અને માણસા તાલુકામાં ૨૭ જેટલા કામો કરવામાં આવ્યા છે. આ કામો થકી જળ સંગ્રહશક્તિમાં ૮૪.૪૦ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો છે.

આ અભિયાન થકી ગાંધીનગર જિલ્લાની ૧૬ કિલોમીટરથી વઘારે કાંસોની સાફ – સફાઇ કરવામાં આવી છે. તેમજ ૬૬૦૦ થી વઘારે માનવદિનની રોજગારી પુરી પાડવામાં આવી છે. આ અભિયાનમાં ગટર સાફ- સફાઇ, નદી સાફ સફાઇ અને એર વાલ્વ સાફ સફાઇના કામો કરવામાં આવ્યા છે.

આ અભિયાન અંતર્ગત થયેલ કામગીરી થકી પાણીના સંગ્રહમાં વઘારો થવાથી કુવાઓમાં તળ ઉંચા આવશે. સિંચાઇ વ્યવસ્થા સુદ્રઢ થશે. તળાવો, ચેકડેમો વગેરેમાં પાણીનો સંગ્રહ થવાથી સ્થાનિક કક્ષાએ ઘરગથ્થુ વપરાશ, ઢોર-ઢાંખરને પીવાના પાણીની સમસ્યાઓ હળવી થશે. ખેડૂતોને લાભ થશે.

ભુગર્ભ જળના તળ ઉંચા આવવાથી સિંચાઇ અર્થે થતાં વિજ વપરાશમાં ઘટાડો થશે. આ અભિયાન અંતર્ગત થયેલ ખોદાણના કામો થકી નીકળેલ માટી અને કાંપનો ખેડૂતોના ખેતરમાં તથા જાહેર વિકાસના કામોમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત આ માટે સરકાર દ્વારા રોયલ્ટીમાં માફી પણ આપવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.