રમત રમતમાં મિત્રએ છરી મારી દેતા મિત્રનું મોત
રાજકોટ, રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજાક-મજાકમાં મામલો મોત સુધી પહોંચી ગયો હોવાની ઘટના સામે આવી છે. એક મિત્રે અન્ય મિત્રોને ‘આટલી વાર લાગે’ તેમ કહી સાથળમાં છરીનો ઘા ઝીંકી દેતા શરીરમાં રહેલી ધોરી નસ કપાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના અંજારમાં રેલવે સ્ટેશન પાછળ નવાનગરમાં રહેતા દેવરાજભાઈ પરમાર નામનો યુવાન રાજકોટના ખોખડદળ ખાતે રહેતી તેની વિધવા ભાભી જ્યોત્સના પરમારના ઘરે આવ્યો હતો.
મંગળવારે બપોરના બે વાગ્યા આસપાસ દેવરાજ પરમારને તેમના ભાભીએ ઘવાયેલી હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યો હતો. દેવરાજના સાથળની ધોરી નસ કપાઈ જતા લોહી વહી જવાથી તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. દેવરાજ પરમારના મોતની જાણ થતા અંજારથી તેના માતા મંજુબેન સહિતના પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા.
રાજકોટ દોડી આવેલા મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે દેવરાજ અને તેના મૃતકભાઈ અજયની પત્ની જ્યોત્સના પરમાર સાથે લફરું હતું.
જ્યોત્સના પરમાર અવારનવાર દેવરાજને ફોન કરીને રાજકોટ બોલાવતી હતી. સોમવારના રોજ પણ દેવરાજ કચ્છના અંજારથી રાજકોટ જ્યોત્સનાના ફોન બાદ આવ્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પરિવારજનોનો આક્ષેપ હતો કે જ્યોત્સના પરમારે જ દેવરાજને છરીનો ઘા ઝીંકી પતાવી દીધો છે.
સમગ્ર મામલે આજીડેમ પોલીસ દ્વારા પણ ઊંડાણપૂર્વક તપાસ કરતા એક નવો જ ફણગો ફૂટ્યો હોવાનું સામે આવ્યું છે. દેવરાજ પરમાર, જ્યોત્સના પરમાર અને જ્યોત્સનાનો ખોડિયારનગરમાં રહેતો ભાઈ શૈલેષ સોલંકી મંગળવારે બપોરે સાથે બેઠા હતા.
આ દરમિયાન દેવરાજ અને શૈલેષ વચ્ચે છરીથી શું થાય તેવી ચર્ચા અને મજાક શરૂ થઈ હતી. દેવરાજે થોડીવાર છરી હાથમાં રાખી હતી ત્યારબાદ શૈલેષે છરી હાથમાં લીધી હતી. બાદમાં શૈલેષે આટલી વાર લાગે તેમ કહી દેવરાજના સાથળના ભાગે છરી ઝીંકી દેતા વાત મોત સુધી પહોંચી હતી.
ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ. યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આરોપી શૈલેષ સોલંકી તેમજ જ્યોત્સના પરમાર વિરૂદ્ધ આઈપીસીની કલમ ૩૦૪, ૨૦૧, ૧૧૪ હેઠળ ગુનો નોંધાયા બાદ તાત્કાલિક અસરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંનેની ધરપકડ કરી છે. મૃતકની ભાભી અને આ કામની આરોપી ભૂતકાળમાં બે વખત પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકી હોવાનું પણ સામે આવ્યું છે.SS1MS