અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનો સમાપન સમારોહ
મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારની સાંસદ ખેલ સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને પારિતોષિક આપી પ્રોત્સાહિત કર્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના રચનાત્મક પ્રયાસોને પરિણામે દેશના ખેલ-કૂદ ક્ષેત્રમાં ફળદાયી બદલાવ આવ્યા:-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના રચનાત્મક પ્રયાસોને પરિણામે દેશના ખેલ-કૂદ ક્ષેત્રમાં ફળદાયી બદલાવો આવ્યા છે. જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સાંસદ ખેલ સ્પર્ધા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને વેગ આપવાના હેતુથી સાંસદ ખેલ સ્પર્ધા શરૂ કરાવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા ખાતે સાંસદ ખેલ સ્પર્ધાના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહી ખેલ સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને પારિતોષિક આપી પ્રોત્સાહિત કર્યા હતા.
અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ. કિરીટ સોલંકીના સંસદીય મતક્ષેત્ર માટે આ સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૧૧ જેટલી વિવિધ રમતોમાં પ૦૦ થી વધુ ખેલાડીઓ-સ્પર્ધકો સહભાગી થયા હતા. એટલું જ નહિ, દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ રમતોનું આયોજન આ સ્પર્ધા અંતર્ગત કરવામાં આવ્યું હતું.
તેનું પ્રથમ ચરણ ગત તા. ૮ મી મે એ યોજાયું હતું અને આજે તા.૧૭ જૂને શુક્રવારે દ્વિતીય ચરણમાં ફાયનલ ટૂર્નામેન્ટ સાથે તેની પૂર્ણાહુતિ સંપન્ન થઇ હતી.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલો ખેલમહાકુંભ આજે રાષ્ટ્રીય સ્તરે ખેલો ઈન્ડિયા સ્વરૂપે પ્રસ્થાપિત થયો છે. યુવાનો મોબાઇલમાં વ્યસ્ત રહીને સમય બગાડે તેના બદલે આવી સ્પર્ધામાં ભાગ લઇ સ્વસ્થ રહી શકે છે, સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધી શકે છે. જીવનની ઘણી સમસ્યાઓના ઉકેલો રમતના મેદાનમાંથી મળતા હોય છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, જલેબી-ગાંઠિયા અને ઢોકળા ખાનારા તરીકેની ગુજરાતીઓની છાપ ગુજરાતના રમતવીરોએ હવે ભૂંસી નાખી છે. ગત ઓલિમ્પિકમાં ગુજરાતની ૬ મહિલા ખેલાડીઓએ ભાગ લઇ ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે.
સાંસદ ખેલસ્પર્ધાની વિવિધ રમતોમાં હિસ્સો લઈને વિજેતા થનાર રમતવીરોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોત્સાહિત કર્યા હતા. ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પણ ખેલાડીઓ સાથે મુલાકાત કરી તેમનો અનુભવ જણાવ્યો હતો.
આ પ્રસંગે અમદાવાદ (પશ્ચિમ) લોકસભા મત વિસ્તારના સાંસદ ડૉ. શ્રી કિરીટભાઈ સોલંકીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રમતવીરોને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે જેના પરિણામરૂપે આંતરરાષ્ટ્રીય સ્તરે રમતવીરો શ્રેષ્ઠ પ્રદર્શન થકી દેશને મેડલ અપાવી ગુજરાત અને દેશનું નામ રોશન કરી રહ્યા છે.
સાંસદ ખેલ સ્પર્ધાનું બીજી વખત સફળતાપૂર્વક આયોજન થવા બદલ તેમણે ખેલાડીઓ, આયોજનમાં સહયોગી સ્ટાફ અને નાગરિકો સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપ પરમાર, અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર સહિત અમદાવાદ શહેરના ધારાસભ્યો, પદાધિકારીઓ તથા આગેવાનો અને રમતપ્રેમી લોકો તેમજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.