૧૪ વર્ષની કિશોરી સાથે ૧૯ વર્ષના યુવકના લગ્ન કરાવાયા
કિશોરી સાથેના લગ્નના એક વર્ષ બાદ એફઆઈઆર
ઈન્દોર, ઈન્દોરમાં ૧૪ વર્ષની બાળકી સાથે ૧૯ વર્ષના યુવકના કથિત રીતે બળજબરીપૂર્વક બાળલગ્નના એક વર્ષ બાદ વરરાજા અને મૌલવી સહિત ૬ લોકો વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. ખજરાના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દિનેશ વર્માએ ગુરૂવારે આ માહિતી આપી હતી.
દિનેશ વર્માએ જણાવ્યું હતું કે, બાળલગ્ન ૪ જુલાઈ ૨૦૨૧ના રોજ થયા હતા. આ સમયે દુલ્હનની ઉંમર ૧૪ વર્ષ હતી અને વરરાજાની ઉંમર ૧૯ વર્ષની હતી. તેમણે જણાવ્યું હતું કે, બુધવારે નોંધાયેલી એફઆઈઆરમાં યુવક પર લગ્ન બાદ સગીર બાળકીને પોતાના ઘરે બંધક બનાવીને તેના પર બળાત્કાર કરવાનો આરોપ છે.
વર્માએ કહ્યું હતું કે, એફઆઈઆરમાં બાળ લગ્ન નિષેધ અધિનિયમ ૨૦૦૬ના ઉલ્લંઘન માટે આરોપીઓમાં લગ્નની વિધિ કરનાર મૌલવી, વરરાજાની માતા અને લગ્નમાં સાક્ષી આપનાર ૩ લોકોનો સમાવેશ થાય છે.
વર્માએ જણવ્યું હતું કે, પોલીસે બાળ લગ્ન પીડિત બાળકીની હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરાવી છે.
વહીવટીતંત્રની બાળ લગ્ન વિરોધી ફ્લાય સ્કવોડના પ્રભારી મહેન્દ્ર પાઠકે જણાવ્યું હતું કે, અમને ફરિયાદ મળી હતી કે વરરાજા પક્ષે સગીર બાળકી અને તેના પરિવારને ડરાવી ધમકાવીને બાળલગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. બાળ કલ્યાણ સમિતિએ પીડિત બાળકીનું નિવેદન નોંધ્યું છે. અમે બાળકીના નિવેદનના આધારે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે.
પાઠકે એ પણ જણાવ્યું હતું કે, ઈન્દોર જિલ્લાની એક ધાર્મિક સંસ્થાએ કેસ સાથે લગ્નનું પ્રમાણપત્ર જાહેર કર્યું હતું અને બાળ લગ્નના ખુલાસા બાદ આ દસ્તાવેજની તપાસ કરવામાં આવી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે, દેશમાં ૨૧ વર્ષથી ઓછી ઉંમરના યુવક અને ૧૮ વર્ષથી ઓછી ઉંમરની યુવતીના લગ્ન બાળ લગ્નની શ્રેણીમાં આવે છે જે કાનુની અપરાધ છે.
બાળ લગ્ન નિષેધ અધિનિયમ ૨૦૦૬ હેઠળ દોષિતને ૨ વર્ષ સુધીની સખ્ત કેદની સજા અથવા એક લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા કરવામાં આવશે.SS2KP