રેલવે વરિષ્ઠ નાગરિકો માટે ભાડામાં કોઈજ છૂટછાટ ફરી શરૂ નહીં કરે
રેલવે મંત્રાલય હાલ માત્ર શારીરિકરૂપે સક્ષમ ન હોય તેવા લોકો, દર્દીઓ, વિદ્યાર્થીઓને જ લાભ આપી રહ્યું છે
નવી દિલ્હી, તાજેતરમાં એવા સમાચારો વહેતા થયા હતા કે, ભારતીય રેલવે આગામી પહેલી જુલાઈથી ફરીથી વરિષ્ઠ નાગરિકો માટે રેલવે ભાડામાં છૂટની શરૂઆત કરવા જઈ રહ્યું છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ સૂચના બ્યુરો (પીઆઈબી)એ પોતાના ‘ફેક્ટ ચેક’ હેન્ડલના માધ્યમથી ટિ્વટ કરીને આ અંગેની સ્પષ્ટતા કરી છે.
ટિ્વટમાં લખ્યું છે કે, રેલવે મંત્રાલય દ્વારા ટ્રેનોમાં વરિષ્ઠ નાગરિકો માટે ફરીથી રેલવે ભાડામાં છૂટ શરૂ કરવા સંબંધી કોઈ જ જાહેરાત નથી કરવામાં આવેલી. સાથે જ લખ્યું હતું કે, રેલવે મંત્રાલય હાલ માત્ર શારીરિકરૂપે સક્ષમ ન હોય તેવા લોકો, દર્દીઓ અને વિદ્યાર્થીઓને જ લાભ આપી રહ્યું છે.
નોંધનીય છે કે, એવા સમાચારો વહેતા થયા હતા કે, રેલવે મંત્રાલય આગામી ૧ જુલાઈ ૨૦૨૨થી ફરી એક વખત વરિષ્ઠ નાગરિકો માટે ટ્રેનના ભાડામાં છૂટ આપવાની શરૂઆત કરી રહ્યું છે. પીઆઈબી દ્વારા આ સમાચારો અંગે સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે અને તેવા સમાચારોને ફેક ગણાવવામાં આવ્યા છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગત માર્ચ મહિના દરમિયાન સંસદને જાણ કરી હતી કે, તેમના મંત્રાલયે કોરોના વાયરસ મહામારીના કારણે માર્ચ ૨૦૨૦માં વરિષ્ઠ નાગરિકોને મળતી છૂટ રદ કરી દીધી હતી. હાલ તેને પુનઃસ્થાપિત નહીં કરવામાં આવે એટલે કે, ફરી શરૂ કરવામાં નહીં આવે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય રેલવે કોરોના મહામારી પહેલા રેલવેના તમામ વર્ગોમાં ન્યૂનતમ ૫૮ વર્ષના મહિલા મુસાફરોને ૫૦% તથા ૬૦ કે તેનાથી વધારે વર્ષના પુરૂષ મુસાફરોને ૪૦%ની છૂટ આપતું હતું.SS2KP