વિનામૂલ્યે છત્રી/શેડ કવર મેળવવા આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાય છે.
ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારો માટે યોજના
આણંદ, બાગાયત ખાતાની વિવિધ યોજના અંતર્ગત “ફળ અને શાકભાજી”નો થતો બગાડ અટકાવવા માટે રાજય સરકાર દ્વારા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોય તેવા નાના વેચાણકારો માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા કે જેઓ ફળ-શાકભાજી-ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતા કે લારીવાળા ફેરિયા હોય તેઓએ આઇ-ખેડૂત પોર્ટલ પર તા. ૧૬/૭/૨૦૨૨ સુધીમાં અરજી કરી, અરજીપત્રકની પ્રિન્ટ કાઢી અરજીપત્રકમાં અરજદારે સહી અથવા અંગુઠાનું નિશાન કરી,
આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, ગ્રામસેવક/તલાટી/ગુજરત અર્બન લાઇવલીહુડ મિશનના અધિકારીના સહી તથા સિકકા થયેલા હોય તેવા દાખલો જેવા જરૂરી દસ્તાવેજો સહિત આણંદ બોરસદ ચોકડી પાસેના જૂના જિલ્લા સેવા સદનના ચોથા માળે,
રૂમ નં. ૪૨૭-૪૨૯માં આવેલ નાયબ બાગાયત નિયામકની કચેરીને રૂબરૂ કે ટપાલ દ્વારા તાત્કાલિક દિન-૧૦(દસ)માં મળી જાય તે રીતે મોકલી આપવામાં આવ્યા બાદ જ તેઓની અરજીની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ આણંદના નાયબ બાગાયત નિયામકશ્રીએ એક યાદી દ્વારા જણાવ્યું છે.