RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૨-૨૩નાં ચોથા રાઉન્ડ માટે શાળાઓની પુનઃ પસંદગી કરી શકાશે
આણંદ, RTE ACT-2009ની કલમ 12.1.(C) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારનાં પ્રયાસોથી વાલીઓમાં જાગૃતી આવતા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩
રાજયની કુલ ૯૫૫ જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળા માં જુદા જુદા માધ્યમમાં કુલ ૭૧,૩૯૬ જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી. જે પૈકી વિધાર્થીઓની પસંદગી અને ૬ કીમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ અત્યાર સુધીમાં ત્રણ રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે. જે અન્વયે અત્યાર સુધીમાં ત્રણેય રાઉન્ડના અંતે એકંદર કુલ ૬૪,૦૪૨ જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવેલ હતો.
RTE પ્રવેશ પ્રક્રિયાના ત્રણેય રાઉન્ડ બાદ ખાલી રહેવા પામેલ ૭૩૫૪ જગ્યાઓ પર RTE પ્રવેશ પ્રક્રિયાનાં વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ મળી રહે તે હેતુથી, ચોથા રાઉન્ડની કાર્યવાહી અંતર્ગત જે વિધાર્થીઓ પ્રથમ, બીજા કે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા વિદ્યાર્થીઓને RTE હેઠળ કરેલ અરજીમાં પસંદ કરેલ શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય
એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેવા વિધાર્થીઓએ તા ૧૯/૦૬/ર૦રર, રવિવાર થી તા. ૨૧/૦૬/૨૦૨૨, મંગળવાર સુધીમાં RTE ના વેબપોર્ટલ http://te.orpgujarat.com પર જઇ શાળાઓની પુનઃ પસંદગીનાં મેનુ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લીકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે. શાળાઓની પુનઃ પસંદગી વખતે પોતાની પસંદગીનો ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે. ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે. આ પ્રિન્ટની નકલ રિસિવિંગ સેન્ટર પર જમા કરાવાની નથી. જેની ખાસ નોંધ લેવી.
શાળાઓની પુનઃ પસંદગી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો તમારા અરજી પત્રકમાં દર્શાવેલ જિલ્લાના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ શાળાઓની પુનઃ પસંદગી કરવા ન માંગતા હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્ય રાખી નિયમાનુસાર ચોથા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ ગાંધીનગરના પ્રાથમિક શિક્ષણના સંયુક્ત શિક્ષણ નિયામકશ્રીએ એક યાદી દ્વારા જણાવ્યું છે.