દિવાળીમાં અમદાવાદના ભૂ-માફીયાઓ પર નજર રખાશે
દિવાળીની રજાઓ દરમ્યાન : મનપાની આવશ્યક સેવાઓ યથાવત રાખવા જવાબદાર અધિકારીઓને સુચનાઃ અમુલભાઈ ભટ્ટ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : દિવાળીના પર્વ દરમ્યાન નાગરીકો ને હાલાકી ન થાય તે માટે મ્યુનિ. કોર્પોરેશનની તમામ સુવિધાઓ યથાવત રાખવા માટે ભાજપના હોદેદારોએ તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ખાસ બેઠક કરી હતી તેમજ રજાઓનો લાભ લઈને ગેરકાયદેસર બાંધકામો ન થાય તેની તકેદારી રાખવા સુચના આપી છે.
મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમુલભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ દિવાળીના પર્વ દરમ્યાન મ્યુનિ. કર્મચારીઓ પણ રજા પર જતા હોવાથી પ્રાથમિક સુવિધાની સાઈકલ ખોટવાઈ જાય છે. તહેવારના દિવસોમાં જ પાણી ડ્રેનેજ, લાઈટ તથા સફાઈ જેવી સુવિધા માટે નાગરીકો ને તકલીફ થાય છે. ખાસ કરીને આરોગ્યલક્ષી સુવિધા લગભગ ઠપ્પ થઈ જાય છે.
તેથી બે દિવસ અગાઉ મ્યુનિ. હોસ્પીટલોના સુપ્રી.તથા તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ખાસ મીટીંગ કરવામાં આવી હતી. રજાના દિવસો દરમ્યાન ફરજ પર હાજર રહેનાર રેસી.મેડીકલ ઓફીસર તથા તબીબોના નામની યાદી અને ફોન નંબર મેળવી લેવામાં આવ્યા છે. તદ્દઉપરાંત હોસ્પીટલોમાં ઉપલબ્ધ દવા ના જથ્થા વિશે પણ સુપ્રી.કક્ષાના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે.
મ્યુનિ.કોર્પોરેશનના સાત હેલ્થ કોમ્યુનીટી સેન્ટરો પણ દિવાળીની રજાઓ દરમ્યાન કાર્યરત રહેશે. નગરી હોસ્પીટલમાં પણ તબીબો અને દવા અંગે સુચના આપવામાં આવી છે. શહેરના તમામ ફલાયઓવર ને સ્વચ્છ કરવામાં આવી રહયા છે. સોલીડ વેસ્ટખાતાના ઉચ્ચ અધિકારીને પણ દૈનિક સફાઈ કામગીરીની સાથે સાથે આ પ્રકારની એકટીવીટી કરવા માટે જણાવવામાં આવ્યું છે તથા શકય હોય તો મોડી રાત્રે પણ “સ્ટ્રીટ સફાઈ” થાય તે માટે જરૂરી સુચનો કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું.
શહેરમાં ગેરકાયદેસર બાંધકામોની સમસ્યા વકરી રહી છે. રજાના દિવસોમાં મોટાપ્રમાણમાં અનઅધિકૃત બાંધકામો થાય છે. તેથી એસ્ટેટ-ટી.ડી.ઓ ખાતાને આ બાબતે તકેદારી રાખવા ખાસ સુચના આપવામાં આવી છે. સુત્રોએ જણાવ્યા મુજબ મધ્ય,દક્ષિણ અને ઉત્તરઝોનમાં ભૂ-માફીયાઓનો દબદબો છે. આ ત્રણ ઝોનમાં સામાન્ય દિવસો દરમ્યાન પણ પરવાનગી વિના બાંધકામો થાય છે.
જયારે ચાર-પાંચ દિવસની સળંગ રજાઓ આવી રહી હોવાથી ભૂ-માફીયાઓ બેફામ બને તેવી શકયતા છે. તદ્દઉપરાંત થોડા સમય પહેલા જે બાંધકામો તોડવામાં આવ્યા હોય તેવા બાંધકામોના પણ પુનઃનિર્માણ પણ રજા દરમ્યાન થાય છે. દક્ષિણ અને મધ્યઝોનમાં આ પ્રકારની પ્રવૃત્તિ ઘણા સમયથી થઈ રહી છે. એસ્ટેટ અધિકારીઓને નાના ઓટલા કે ટાંકી-ચોકડી તોડીને સંતોષ માની રહયા છે. જયારે મોટા બાંધકામો સામે આંખ આડા કાન થાય છે. મ્યુનિ. કોર્પોરેશનની રીઝર્વ જમીન પર પણ બાંધકામો થઈ ગયા છે.
જેને પણ દુર કરવામાં આવતા નથી. બહેરામપુરા, દાણીલીમડા, લાંભા વોર્ડમાં આ પ્રકારના બાંધકામો થયા છે. જયારે જમાલપુર વિસ્તારની સાંકડીગલીઓમાં પણ આઠ-આઠ માળના બાંધકામ ચાલી રહયા છે. ખાડીયા, શાહપુર અને કાલુપુર જેવા વિસ્તારોમાં બારે મહીના ગેરકાયદે બાંધકામો થાય છે. સ્થાનીક રાજકારણીઓ સાથે સાંઠગાંઠ હોવાના કારણે ભૂ-માફીયાઓ સામે કાર્યવાહી થતી નથી. દિવાળી બાદ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ થશે.
જેમાં સ્થાનિક કાર્યકર્તા કોર્પોરેટરો કે ધારાસભ્યો દ્વારા ભલામણ કરવામાં આવશે. તો તેને પણ ધ્યાને લેવામાં આવશે નહીં હેરીટેજ સીટીની હેરીટેજ મિલ્કતોના વ્યાપારીકરણ થઈ ગયા છે. મધ્યઝોનના પૂર્વ ડે.એસ્ટેટ ઓફીસર રમેશ દેસાઈ અને ખાડીયા વોર્ડના તત્કાલીન વોર્ડ ઈન્સ્પેકટરોની મહેરબાનીના કારણે જ ઐતિહાસિક વારસો નષ્ટ થયો છે.
હેરીટેજ કમીટી દ્વારા તે સમયે પણ આ પ્રકારના બાંધકામોની યાદી આપવામાં આવી હતી પરંતુ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી ન હતી. શરમજનક બાબત એ છે કે ઐતિહાસિક વારસા સાથે ચેડા કરનાર અધિકારીને પણ પ્રમોશન આપવામાં આવ્યા છે. મધ્યઝોનના ખાડીયા વિસ્તારમાં ૧૦૦ વર્ષ જુની બી.ડી. આર્ટસ કોલેજના સ્થાને પણ કોમર્શીયલ કોમ્પલેક્ષ તૈયાર થયું છે.
મધ્યઝોન એસ્ટેટ ખાતાના તત્કાલીન અધિકારીઓની બેદરકારી કે ગેરરીતિના પરીણામે સાંકડી ગલીઓમાં પણ કોમર્શીયલ મિલ્કતો બની ગઈ છે. રજાના દિવસો દરમ્યાન ગેરકાયદેસર બાંધકામોમાં મોટા પાયે તેજી આવી છે. બીજા અને ચોથા શનિવારની રજા હોય તેનો લાભ લઈને પણ અનઅધિકૃત બાંધકામો થતા હોય છે.
જયારે દિવાળીના પર્વમાં લગભગ પાંચથી સાત દિવસ સુધી રજાનો માહોલ રહે છે. તેથી ભુ-માફીયાઓની લગામ કસવા માટે સુચના આપવામાં આવી હોય છે.