Western Times News

Gujarati News

હરિયાણામાં ભાજપની સરકાર રચાવાની શક્યતાઃ અપક્ષ ધારાસભ્યોનો ટેકો

દિલ્હીમાં મોડીરાત સુધી ચાલેલી ક્વાયત : આજે સવારે પાંચ ધારાસભ્યોએ ટેકો
જાહેર કરતા સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે

નવી દિલ્હી : મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં મહારાષ્ટ્ર રાજયમાં ભાજપ અને શિવસેનાની સરકાર રચાવાની છે ત્યારે હરિયાણામાં એક પણ પક્ષને બહુમતી મળી નથી પરંતુ સૌથી મોટો પક્ષ ભાજપ બન્યો છે અને ગઈકાલ સાંજથી જ સરકાર રચવા માટે ભાજપના મોવડી મંડળે કવાયત શરૂ કરી છે.

આ દરમિયાનમાં પાંચ અપક્ષ ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કરતાં ભાજપનું સંખ્યાબળ વધીને ૪પ થયું છે અને હવે એક જ ધારાસભ્યની જરૂર હોવાથી સાંજ સુધીમાં આ ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે તેવું ભાજપના અગ્રણીઓ માની રહયા છે.

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૯૦ બેઠકોમાંથી ભાજપને ૪૦ બેઠકો મળી છે જયારે સરકાર રચવા માટે ૪૬ ધારાસભ્યોની આવશ્યકતા છે. સૌથી મોટો પક્ષ ભાજપ બન્યો છે. ગઈકાલે બપોર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટરને તાત્કાલિક દિલ્હી બોલાવ્યા હતા અને દિલ્હી પહોંચ્યા બાદ બંને અગ્રણીઓ સાથે લંબાણપૂર્વકની ચર્ચા થઈ હતી.

સરકાર રચવા માટે જરૂરી સંખ્યાબંધ પુરૂ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી. હરિયાણામાં ફરી ભાજપની સરકાર રચાય તે માટેના પ્રયાસો દિલ્હીમાં શરૂ થયા હતા. અમિત શાહ અને ખટ્ટર વચ્ચે થયેલી બેઠક ખૂબજ સુચક માનવામાં આવતી હતી

બીજીબાજુ ચૌટાલાની જીજેપી પાર્ટી કિંગ મેકર બને તેવુ મનાતું હતું પરંતુ ભાજપે પરિણામો આવતાની સાથે જ તડજાડની રાજનીતિ શરૂ કરી દીધી હતી અને અપક્ષ ઉમેદવારોનો સંપર્ક સાંધવાનો પ્રયાસ કરાયો હતો.

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પરિણામો આવતાની સાથે જ સ્થાનિક ભાજપના નેતાઓએ સક્રિય બની જરૂરી સંખ્યાબંધ પુરૂ કરવા માટે પ્રયાસો શરૂ કર્યાં હતા અને તે અંગેની સંપૂર્ણ માહિતી ખટ્ટરે અમિત શાહને આપી હતી અને ત્યારબાદ દિલ્હીમાંથી જ આ કામગીરી આગળ વધારવામાં આવી છે અને મોડીરાત સુધી આ કામગીરીને પૂર્ણ પણ કરી દેવામાં આવી છે.

જેના પગલે આજે સવારે રણધીર ગોલીન, રાકેશ દોલતાબાદ, સહિતના પાંચ અપક્ષ ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. જાકે ભાજપના મોવડી મંડળ દ્વારા આ અપક્ષ ધારાસભ્યોને ભાજપમાં જ સમાવી લેવા માટેના પ્રયાસ શરૂ કર્યાં છે

આ ઉપરાંત અન્ય અપક્ષ ધારાસભ્યો પણ ભાજપના સંપર્કમાં છે. તેથી આજ બપોર બાદ આ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે સૌથી મોટા પક્ષ તરીકે સૌ પ્રથમ ભાજપને સરકાર રચવા માટે આમંત્રણ આપવામાં આવશે તેવું મનાઈ રહયું છે. જાકે ગઈકાલે જ ભાજપે રાજયપાલને મળીને દાવો રજુ કરી દીધો છે.

અમિત શાહ ગઈકાલે મોડી રાત સુધી બેઠકોમાં વ્યસ્ત જણાયા હતા અને આખરે સમગ્ર ઓપરેશન પાર પાડી આજે સવારે તેઓ ગુજરાત આવી પહોંચ્યા છે. હરિયાણામાં પુનઃ ભાજપની સરકાર રચાશે તેવા સ્પષ્ટ સંકેતો ભાજપના મોવડી મંડળે આપી દીધા છે અને અન્ય અપક્ષ ધારાસભ્યો પણ બપોર સુધીમાં ભાજપને ટેકો જાહેર કરી દેશે તેવું મનાઈ રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.