Western Times News

Gujarati News

માણેકચોકઃ રૂ.રર લાખના સોનાના જથ્થાની ચોરી

Files Photo

(પ્રતિનિધિ) અમદાવાદ : માણેકચોક પાસે જવેલર્સો માટે સોનુ લાવવા લઈ જવાનું કામ કરતા એક યુવક પાસેથી રૂપિયા ર૬ લાખનું સોનુ પડાવી બે શખ્સો ફરાર થઈ જતાં સનસનાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. ખાડિયા પોલીસે સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરના ગુલબાઈ ટેકરા ઉર અર્બુદા એપાર્ટમેન્ટમાં રહેતા ચંદ્રકાંતભાઈ જીવણભાઈ વૈદ્ય ખોખરા વિસ્તારમાં આવેલી અનુપમ સિનેમા પાસે ગુજરાત બુલિયન રિફાઈનરીમાં નોકરી કરે છે અને તેઓ કંપની માટે નાણાંકિય તથા સોનાના જથ્થાની લાવવા લઈ જવાની મહત્વપૂર્ણ કામગીરી પણ કરી રહયા છે. ગઈકાલે તેઓ રોજના સમય પ્રમાણે નોકરી પર હાજર થયા હતા અને તેમની મહત્વપૂર્ણ કામગીરી મુજબ સોનાનો જથ્થો આપવા જવાની કામગીરીમાં વ્યસ્ત હતાં. ગુજરાત બુલિયન રિફાઈનરીમાંથી રોજ મોટી માત્રામાં સોનાનો જથ્થો લાવવા લઈ જવાતો હતો.

ગઈકાલે રાત્રે ચંદ્રકાંતભાઈ પોતાની ઓફિસમાંથી ૧૦૦ ગ્રામના ૬ બિસ્કિટ  ઉપરાંત અન્ય સોનાનો જથ્થો લઈને તેની ડિલિવરી કરવા માટે નીકળ્યા હતા સૌ પ્રથમ તેઓએ માણેકચોકમાં ઘાંચીની પોળમાં આવેલી અમૃત કાંતિલાલ આંગડિયા પેઢીમાં સોનાના જથ્થાનું એક પાર્સલ જમા કરાવ્યું હતું અને ત્યારબાદ રાત્રે ૮.૪પ વાગ્યાની આસપાસ તેઓ પોતાના એક્ટિવા પર પરત જવા નીકળ્યા હતાં.

સોનાની ડિલિવરી કરી પરત ફરી રહેલા ચંદ્રકાંતભાઈ હજુ માણેકચોકની નજીક જ પહોંચ્યા હશે ત્યાં જ આ જ વિસ્તારમાં આવેલી મેહુલ બુલિયન નામની દુકાનના માલિક પિયુષભાઈનો તેમની પર ફોન આવ્યો હતો અને તેમણે કહ્યુ હતું કે સોનાના બિસ્કિટ લઈ જવાના છે

પિયુષભાઈનો ફોન આવતા જ ચંદ્રકાંતભાઈ એક્ટિવા  લઈને પિયુષભાઈની દુકાને પહોંચ્યા હતા અને ત્યાંથી ૧૦૦ ગ્રામના છ બિસ્કિટ લીધા હતાં જેની અંદાજે કિંમત રૂ.રર લાખ જેટલી થવા જાય છે.

આ ઉપરાંત તેમની પાસે અન્ય સોનાની નાની મોટી લગડીઓ હતી આ તમામ જથ્થો તેમણે પોતાની સફેદ બેગમાં મુકયો હતો અને આ સફેદ બેગ  એક્ટિવાના આગળના ભાગમાં મુકી ખોખરા ખાતે આવેલી પોતાની ઓફિસે જવા માટે નીકળ્યા હતાં.
રાત્રિના ૯.૩૦ વાગ્યાની આસપાસ એક્ટિવા લઈને તેઓ માણેકચોકથી આગળ ઢાળની પોળ પાસે પહોંચ્યા ત્યારે અચાનક જ તેમની તબીયત બગડી હતી અને આખા શરીરે ખંજવાળ આવવા લાગતા તેઓ ઉભા રહયા હતાં. આ દરમિયાનમાં જ તેમની જ ઓફિસમાં કામ કરતો ચંદ્રેશ નામનો યુવક આવી પહોંચ્યો હતો.

ચંદ્રકાંતે સોનાનો જથ્થો ભરેલો થેલો લઈને ઓફિસે જવા જણાવ્યું હતું પરંતુ ચંદ્રેશે ના પાડી હતી. આ દરમિયાનમાં ચંદ્રેશ તેમને લઈ નજીકમાં જ આવેલા રંગાટી બજાર પાસે પહોંચ્યો હતો ત્યારે બે શખ્સો સ્કુટર પર આવ્યા હતાં અને ચંદ્રકાંતભાઈને પાણી આપ્યુ હતું ત્યારબાદ ચંદ્રકાતભાઈએ ફરી એક્ટિવા શરૂ કરી ખોખરા ઓફિસે જવાની તૈયારી કરતા જ તેમની નજર એક્ટીવાના આગળના ભાગ પર પડી હતી.

એક્ટિવાના આગળના ભાગમાં સોનાનો જથ્થો ભરીને મુકેલી સફેદ બેગ નહી દેખાતા તેમણે બુમાબુમ કરી મુકી હતી જેના પરિણામે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતાં. રર લાખથી વધુની કિંમતના સોનાના જથ્થાની બેગ સ્કુટર પર આવેલા બે શખ્સો લઈને પલાયન થઈ ગયા હોવાનું મનાઈ રહયું છે.

ઘટનાની જાણ થતાં ખાડિયા પોલીસના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં અને તેઓ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યા હતા. બીજી બાજુ ગુજરાત બુલિયન રિફાઈનરીના માલિકો પણ દોડી આવ્યા હતાં. ખાડિયા પોલીસે તાત્કાલિક સ્થળની આસપાસ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

શહેરના હાર્દસમાન રતનપોળમાં થોડા દિવસ પહેલા જ સોનાના કારીગરને લુંટી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગઈકાલે રાત્રે વધુ એક કર્મચારીને લુંટી લેવાની ઘટનાથી પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે. આ અંગે ખાડિયા પોલીસના અધિકારીઓએ ચંદ્રકાંત અને ચંદ્રેશની પુછપરછ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.