ગુજરાત મેડિકલ ટુરિઝમ હબ બનવા તરફ અગ્રેસર
ન્યૂમોનિયા માટે ૩-૪ હજારની કિંમતની ન્યુમોકોકલ કોંજ્યુગેટ વેક્સિન નિઃશુલ્ક આપવાની શરૂઆત કરી છે.
જન આરોગ્ય અને સ્વાસ્થ્ય સુવિધા માટે આરોગ્ય વિભાગની સેતુરૂપ ભૂમિકા: -શ્રીમતી નિમિષાબેન સુથાર
આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજયમંત્રીની ઉપસ્થિતિમાં યોજાઈ “AMACON-2022” કોન્ફરન્સ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજયમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે જણાવ્યું છે કે તબીબી વ્યવસાય એ અત્યંત પવિત્ર વ્યવસાય છે,ડોક્ટર્સ દર્દીઓને મોતના મુખમાંથી પાછા લાવે છે. તેઓ દર્દીઓને બચાવવાની સાથે તેમના પરિવારોને પણ બચાવે છે. આથી જ તેઓ દેવદૂત કે ભગવાન મનાય છે.એમ તેમણે ઉમેર્યું હતું
આજે અમદાવાદ ખાતે અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા આયોજિત “AMACON-2022” કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે મંત્રીશ્રી ઉપસ્થિત રહ્યા હતા
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” એ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમાકવચ આપતી સેવા છે. ગુજરાત રાજ્યમાં ન્યૂમોનિયા માટે મોંઘી કહેવાતી ૩-૪ હજારની કિંમતની ન્યુમોકોકલ કોંજ્યુગેટ વેક્સિન નિઃશુલ્ક આપવાની શરૂઆત કરી છે.
દર શુક્રવારે “નિરામય ગુજરાત” અંતર્ગત બિનચેપી રોગો જેવા કે ડાયાબિટીસ, બીપી, હાયપરટેન્શન, એનીમિયા, કિડની સંબંધિત રોગો માટે તબીબી તપાસ અને નિરાકરણ પૂરા પાડવામાં આવે છે. અંધત્વ નિવારણ કાર્યક્રમ અંતર્ગત મોતિયાના ઓપરેશનમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ નંબરે આવે છે. “વન ગુજરાત,વન ડાયાલિસિસ” પ્રોગ્રામ હેથળ ગ્રામીણ વિસ્તારમાં દર્દીઓ પોતાની નજીકના CHC સેન્ટર પર ડાયાલિસિસ કરાવી શકે છે. સરકાર ૨૦૨૫ સુધી ટીબી નાબૂદી માટે પણ કટિબદ્ધ છે.
આજે ગુજરાત મેડિકલ ટુરિઝમનું હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે, તેનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કેગુજરાતમાં ઉત્કૃષ્ટ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે. આજે રાજ્યમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટ તેમજ કિડની ના રોગો માટે લોકો ઘણા રાજ્યોમાંથી તેમજ વિદેશમાંથી પણ સારવાર અર્થે આવે છે. રાજ્યભરમાં અંગદાન ને વેગવંતુ બનાવવાની નેમ સાથે રાજકોટ ખાતે એર એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
સરકારની આરોગ્યલક્ષી અને સુખાકારી યોજનાઓનો વધુને વધુ લાભ નાગરિકોને મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. રાજ્યભરના તબીબો અને તબીબી ક્ષેત્રે સંકળાયેલા લોકોને આ યોજનાઓનો પરિણામ લક્ષી પ્રસાર કરે તે જરૂરી છે
તેમણે વધુમાં જણાવ્યું કે, આરોગ્યલક્ષી યોજનાઓ માટે ડોક્ટર્સના સલાહ સૂચનો અને માર્ગદર્શન હંમેશા આવકાર્ય રહેશે. કોન્ફરન્સમાં વિવિધ રોગો અને તેની સારવાર, સારવારની વિવિધ આધુનિક પદ્ધતિઓ, રોગો સંબંધિત શસ્ત્રક્રિયાઓ અને તેને લગતી પદ્ધતિઓ વગેરે જેવા તબીબી વિજ્ઞાન સાથે સંકળાયેલા અનેકવિધ વિષયો પર અલગ અલગ વક્તાઓ અને ડૉક્ટરો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવનાર છે.
આ કોન્ફરન્સમાં એપોલો હોસ્પિટલ, ગાંધીનગરના COO શ્રી નીરજ લાલ, ઇન્ડીયન મેડિકલ એસોસિયેશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચના અધ્યક્ષ ડૉ. પરેશ મજમુદાર, અમદાવાદ મેડિકલ એસોસિયશનના અધ્યક્ષ ડૉ. દિલીપ ગઢવી અને સેક્રેટરી ડૉ. ગાર્ગી પટેલ તેમજ એસોસિયેશનના અન્ય સભ્યો, ડોક્ટરો, મેડિકલ અને આરોગ્ય સાથે સંકળાયેલા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા.