Western Times News

Gujarati News

સુજલામ સુફલામ જળસંચય યોજનાનો પાંચમો તબક્કો પૂર્ણ: કચ્છ જિલ્લામાં સૌથી વધુ ૧૬૭૩ કામ થયા

રાજ્યમાં ઓછો વરસાદ ધરાવતા કચ્છ જિલ્લાની જળ સંગ્રહશક્તિમાં ૬૧૨૪ લાખ ઘન ફુટનો વધારો થયો છે

ગાંધીનગર,ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ૧૯ માર્ચ ૨૦૨૨ના દિવસે ગાંધીનગરના કોલવડા ગામેથી આ સુજલામ-સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો પ્રારંભ કરાવીને રાજ્યમાં જળસંગ્રહ સ્ત્રોત વધારવા અને જમીનમાં પાણીના સ્તર ઊંચા લાવવાનો મહત્વપૂર્ણ સફળ અભિગમ અપનાવ્યો છે.

સુજલામ સુફલામ જળસંચય યોજનાનો પાંચમો તબક્કો પૂર્ણ થયો છે. પાંચમાં તબક્કામાં અગાઉના ચાર તબક્કાઓની સરખામણીમાં સૌથી વધારે કામો થયા છે. આ વર્ષે સતત પાંચમા વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાનની જ્વલંત સફળતાને પગલે જળસંગ્રહ ક્ષમતામાં ૨૪,૪૧૮ લાખ ઘન ફૂટ વધારો થયો છેએટલું જ નહીં,

અગાઉના ચાર વર્ષ એટલે કે ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૧ના સુજલામ સુફલામ જળ અભિયાન કરતા પણ આ વર્ષે જળસંગ્રહ ક્ષમતા સૌથી વધારે છે. વર્ષ ૨૦૨૧માં ૨૦,૭૪૯ કામો પૈકી ૪૬૦૭ તળાવો ઉંડા કરી જળ સંગ્રહશક્તિમાં ૧૯,૭૧૭ લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૮૬,૧૯૯ લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી છે.

શ્રમિકોને રોજી-રોટી અને આર્થિક આધાર મેળવવા માટે કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે વધુમાં વધુ શ્રમિકો સુજલામ સુફલામ જળ અભિયાન અને મનરેગા યોજનાના કામોમાં જાેડાય તે માટે મુખ્યમંત્રીના દિશા દર્શનમા વહિવટી તંત્ર દ્વારા બહોળા પ્રમાણમાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

ગ્રામીણ શ્રમિકો ગરીબ પરિવારોને રોજગારી મળી રહે તે માટે રાજ્યમાં નાની નદી, ચેકડેમ, તળાવ ઊંડા કરવાના સુજલામ સુફલામ જળ અભિયાનના કામો તેમજ મનરેગાના કામો શરૂ કરીને સમગ્ર અભિયાનમાં ૨૦.૮૧ લાખ માનવદિન રોજગારી નિર્માણ થયું છે. જેમાં એક દિવસમાં જ અંદાજિત ૧.૨૩ લાખ લોકોને રોજગારી આપવામાં આવી છે

મુખ્યમંત્રીએ ૧૯ માર્ચથી ૭ જૂન દરમિયાન સમગ્ર ગુજરાતમાં આ અભિયાનનો પાંચમો તબક્કો શરૂ કરાવ્યો હતો. તદઅનુસાર, રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનના આ પાંચમા તબક્કામાં ૭ જૂન સુધીમાં ૧૭,૪૬૪ કામો પૂર્ણ થયા છે. આ અભિયાન હેઠળ આ વર્ષે રાજ્યભરમાં ૫૫૭૯ તળાવો ઊંડા કરવામાં આવ્યા,

૪૦૭૦ ચેકડેમોનું ડી-સીલ્ટીંગ, ૩૮૦૯ કિ.મી.લંબાઇમાં નહેરોની અને કાંસની સફાઇ કરવામાં આવી. આ વર્ષે કચ્છ જિલ્લામાં સૌથી વધુ ૧૬૭૩ કામ થયા અને ઓછો વરસાદ ધરાવતા આ જિલ્લાની જળ સંગ્રહશક્તિમાં ૬૧૨૪ લાખ ઘન ફુટનો વધારો થયો છે તે પણ આ અભિયાનની એક આગવી સિદ્ધિ છે. રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી અભિયાનને લોકોનો પણ ખૂબ જ સહયોગ મળ્યો છે.

જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો રહ્યો છે એમાં પણ સૌ લોકોએ સહયોગ આપ્યો છે જેના પરિણામે આ અપ્રતિમ સફળતા મળી છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.