“વિશ્વ યોગ દિવસ-સામાન્ય યોગ અભ્યાસક્રમ” પુસ્તિકાનું વિમોચન
આઠમા વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિતીમાં પુસ્તકનું વિમોચન કર્યુ
આયુષ નિયામકશ્રીની કચેરી દ્વારા તૈયાર કરાયેલ પુસ્તકમાં અત્યારસુધી યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ અંગેની માહિતી, યોગનો પરિચય, પરંપરાગત શાખાઓ, અભ્યાસ, પ્રાણાયામ માટેની સામાન્ય બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આઠમાં વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાએ આયુષ નિયામકની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલ “વિશ્વ યોગ દિવસ-સામાન્ય યોગ અભ્યાસક્રમ” પુસ્તિકાનું મુખ્યમંત્રી કાર્યાલય ખાતેથી વિમોચન કરવામાં આવ્યું હતુ.
યોગ પુસ્તિકા વિમોચન પ્રસંગે રાજ્યના નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલ તેમજ આરોગ્ય રાજ્ય મંત્રી શ્રીમતી નીમિષાબેન સુથાર, શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રી વિનોદભાઇ મોરડીયા ઉપસ્થિત રહ્યા હતા.
આયુષ નિયામકની કચેરી દ્વારા તૈયાર કરાયેલ યોગ અભ્યાસક્રમ પુસ્તકમાં અત્યારસુધી યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ અંગેની માહિતી, યોગનો પરિચય, યોગ્યની ભવ્ય વારસો, પરંપરાગત શાખાઓ, અભ્યાસ,
પ્રાણાયામ માટેની સામાન્ય બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તદઉપરાંત વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ પ્રોટોકોલના સૂક્ષ્મ વ્યાયામ, આસનો, પ્રાણાયામ જેવી બાબતોને પણ આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યા છે.
યોગ અભ્યાસની રીત સાથે તેના ફાયદા, સૂચનો, સાવચેતી વગેરેથી સમાવિષ્ટ આ પુસ્તક અબાલવૃધ્ધોના તંદુરસ્ત સ્વાસ્થય માટે આશીર્વાદરૂપ નીવડશે.
મુખ્યમંત્રી શ્રી ના કાર્યાલય ખાતે પુસ્તક વિમોચન પ્રસંગે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ, આયુષ વિભાગના નિયામક ડૉ. જયેશ પરમાર સહિત અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.