અરવલ્લીમાં ફૂડ અને ડ્રગ્સ કચેરીના અભાવે: નકલી માવાની મીઠાઈનો ધૂમ વેપલો
ભિલોડા : અરવલ્લી જીલ્લાના નિર્માણને ૬ વર્ષનો સમયગાળો થયો હોવા છતાં અનેક મહત્વની કચેરીના અભાવે લોકોને સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે સરકારી કામકાજ અર્થે ધરમધક્કા ખાવા પડતા હોવાથી સમય અને રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે જીલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરીના અભાવે અખાદ્ય પદાર્થ વેંચતા વેપારીઓને જાણે છૂટોદોર મળી ગયો હોય તેમ નકલી માવાની મિઠાઈઓના મસમોટા શો-રૂમ બનાવી કેટલાક વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે
પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા વહીવટી તંત્ર પાસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરી માટે જગ્યાનો અભાવ હોવાના પગલે કાર્યરત થઈ શકી ન હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી જીલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સની કચેરી સત્વરે શરુ કરવામાં આવેની માંગ પ્રબળ બની છે
દિપાવલીના તહેવારમાં મિઠાઇ તેમજ દૂધ અને દૂધની બનાવટોની માંગ વધુ રહે છે. આ તકનો લાભ લેવા માટે મોડાસા શહેરના કેટલાક પ્રખ્યાત વેપારીઓ દ્વારા ભેળસેળીયા માવાની ખરીદી કરી આ માવો દૂધમાંથી બનતો હોવાની જાહેરાતો કરી લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
જ્યાં આવા એકમો સામે તપાસમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ આંખ મિંચામણા કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો પણ ઉઠવા પામ્યા છે.અરવલ્લી જિલ્લા મથક મોડાસામાં દિપાવલીના તહેવારમાં મિઠાઇ, દૂધ અને દુધની બનાવટોની માંગ ઉઠવા પામી છે. જ્યાં નાના વેપારીઓએ બિલાડીના ટોપની જેમ દુકાનો લગાવી દીધી છે.
તેની સાથે સમગ્ર ઉત્તર ગુજરાતમાં મોટાપાયે મિઠાઇઓનું વેચાણ કરતા બ્રાન્ડેડ નામવાળા વેપારીઓ દ્વારા પણ પુષ્કળ પ્રમાણમાં મીઠાઇઓનું પ્રોડકશન કરવામાં આવી રહ્યું છે. જોકે આવેલી તકનો લાભ ઉઠાવી રાતોરાત નાણાં કમાવવા માટે આ બ્રાન્ડધારી વેપારીઓ દ્વારા બજારમાંથી ભેળસેળીયો માવો ખરીદવામાં આવતો હોવાની ચર્ચાઓ થઇ રહી છે.
અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મિઠાઇ તેમજ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરતાં વેપારીઓ એવો દાવો કરે છે કે, મીઠાઇ તેમજ અન્ય ચિજવસ્તુઓમાં વપરાતો માવો તેમના ફાર્મમાં રાખેલા પશુઓના દુધમાંથી બનાવવામાં આવે છે. જોકે, જે પ્રમાણે ચિજવસ્તુઓનું ઉત્પાદન થઇ રહ્યું છે. તે જોતા આ બાબત શકય લાગતી જ નથી. તેમના દ્વારા બજારમાંથી ભેળસેળીયો માવો ખરીદી તેનો તેમની જુદીજુદી પ્રોડકટોમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે. જોકે આ બાબતે જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ તપાસ કરવાના બદલે આંખ મિચામણા કરી રહ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમયાંતરે આજુબાજુના વિસ્તારમાં દરોડા પાડી માવા સહિતના નમુના લઈ દેખાવપૂર્તિ કામગીરી કરતી હોવાની બૂમો અનેકવાર ઉઠી રહી છે પરંતુ મોટી બ્રાન્ડ ધરાવતાં વેપારીઓ સામે તપાસ કરવામાં આવતી નથી. જો, તપાસ થાય તો મોટા પ્રમાણમાં ભેળસેળ ઝડપાય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.