યોગ દિવસની પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ભવ્ય ઉજવણી
યોગને નિયમિત આપણી જીવનની પધ્ધતિમાં વણી લઇ તંદુરસ્ત, નિરોગી અને સુખી જીવન જીવીએઃ રાજ્ય સભાના સાંસદ દિનેશભાઇ અનાવાડીયા
(માહિતી બ્યુરો, પાલનપુર) માનવતા માટે યોગ થીમ પર અધારીત ૮ માં વિશ્વ યોગ દિવસની બનાસકાંઠા જિલ્લામાં ભારે હર્ષ અને ઉત્સાહભર્યા માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાની શાળાઓ, કોલેજાેમાં મોટી સંખ્યામાં લોકો યોગમાં જાેડાયા હતાં. સવારે ૬ વાગ્યા પહેલાંથી જ નાગરિકો નક્કી કરેલ સ્થળોએ ઉત્સાહભેર ઉમટી રહ્યા હતા. સવા છ વાગ્યા સુધીમાં તો દરેક સ્થળોએ વિશાળ સંખ્યામાં લોકો યોગા કરવા પોતાના સ્થળે ગોઠવાઇ ગયા હતા.
તા. ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણીનો જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે સાંસદશ્રીએ યોગ દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે,
આપણી મહાન પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવા અને સમગ્ર દુનિયાની સુખ- શાંતિ માટે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વને યોગની દિશા આપી છે. યોગ એ આપણા ઋષિ- મુનિઓએ આપેલી અમૂલ્ય ભેટ છે. યોગથી આત્માનું પરમાત્મા સાથે મિલન થાય છે અને યોગથી અનેક રોગોને મટાડી પણ શકાય છે. તેમણે કહ્યું કે, આપણા ઋષિ- મુનિઓની આ મહાન પરંપરાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વને ભેટ આપી છે.
સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયાએ કહ્યું કે, આજે ભારત સહિત સમગ્ર વિશ્વના દેશોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તે આપણા માટે આનંદ અને ગૌરવની બાબત છે. તેમણે કહ્યું કે, યોગ ભારતે વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે, યોગ મન અને તનની તંદુરસ્તી માટે અનિવાર્ય છે
જેનાથી વ્યક્તિની કામ કરવાની અને હકારાત્મક વિચારવાની શક્તિનો વિકાસ થાય છે. તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપણી ભારતીય સંસ્કૃતિની વિરાસત યોગને વિશ્વમાં પ્રચલીત બનાવી છે. સાંસદશ્રીએ કહ્યું કે, માત્ર એક દિવસ પુરતુ નહીં પરંતુ યોગને નિયમિત આપણી જીવનની પધ્ધતિમાં વણી લઇ તંદુરસ્ત, નિરોગી અને સુખી જીવન જીવીએ.
વિશ્વ યોગ દિવસની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રીય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ કર્ણાટકના મૈસૂર પેલેસ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેનું લાઇવ ટેલીકાસ્ટ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે,
પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હેતલબેન રાવલ, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી નંદાજી ઠાકોર, શ્રી હિેતેષભાઇ ચૌધરી, શ્રી ડાહ્યાભાઇ પિલીયાતર, શ્રી દિનેશભાઇ પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલ સહિત અધિકારીઓ-પદાધિકારીઓ અને સારી સંખ્યામાં લોકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.