ITBPના હીમવીરોએ ૧૭ હજાર ફૂટની ઊંચાઈએ યોગાભ્યાસ કર્યો
(એજન્સી) નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં લોકોએ યોગાભ્યાસ કર્યો હતો ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસના જવાનો પણ તેમાં પાછળ રહ્યા ન હતા. સિક્કિમમાં આઈટીબીપીના હીમવીરોએ ૧૭,૦૦૦ ફૂટની ઉંચાઈએ બરફ વચ્ચે યોગાસનો કર્યા હતા મોટી સંખ્યામાં જવાનોએ યોગાભ્યાસ કરીને દિવસની શરૂઆત કરી હતી.
આઈટીબીપીના હીમવીરોએ ઉતરાખંડથી લઈ અરુણાચલ સુધી હિમાલયના બરફથી ઢંકાયેલા ઉંચા ઉંચા પર્વતો અને મેદાનોમાં યોગાસનો કર્યા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર એક ગીત સમર્પિત કર્યું. લદ્દાખ અને સિક્કિમમાં તો બરફથી ઢકાયેલા ૧૭૦૦૦ ફૂટ ઉંચા પર્વત પર માઈનસ તાપમાનમાં જવાનોએ સૂર્ય નમસ્કાર કર્યા.
આસામમાં આઈટીબીપીની ૩૩ બટાલિયનના જવાનોએ ગુવાહાટીની બ્રહ્મપુત્ર નદીના લાચિતઘાટ પર યોગાભ્યાસ કર્યો. અરુણાચલ પ્રદેશના લોહિતપુરમાં આઈટીબીપીના હીમવીરોએ જમીનની સાથે પાણીમાં ઉભા રહીને યોગની વિવિધ મુદ્રાઓનો અભ્યાસ કર્યો હિમાચલ પ્રદેશમાં ૧૬,પ૦૦ ફૂટની ઉંચાઈ પર આઈટીબીપીના હીમવીરોએ યોગાસનો કર્યા.
થોડા દિવસો પહેલાં આઈટીબીપીના જવાનોએ ઉત્તરાખંડ હિમાલયમાં રર,૮પ૦ ફુટની ઉંચાઈ પર બરફ વચ્ચે યોગાસનો કર્યા હતા. આઈટીબીપી કલાઈમ્બર્સ ગયા અઠવાડિયે માઉન્ટ અબી ગામિનના શિખર પર હતા, જયાં તેમણે તેમના માર્ગમાં બરફથી ઢંકાયેલા પર્વતો પર યોગનો અભ્યાસ કર્યો હતો.
આઈટીબીપી કલાઈમ્બર્સના ૧૪ સભ્યોની ટીમે ૧ જૂનના રોજ બરફ વચ્ચે ર૦ મિનિટ સુધી યોગનો અભ્યાસ કર્યો હતો જેનો અત્યાર સુધીનો સૌથી વધુ ઉંચાઈ પર યોગાભ્યાસનો રેકોર્ડ બન્યો હતો. કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વચ્ર્યુઅલી આયોજિત થઈ રહ્યો હતો. આ વર્ષે બે વર્ષ બાદ યોગ દિવસ ઉજવવામાં આવ્યો છે.