Western Times News

Gujarati News

અમદાવાદમાં ૫૧૫ સખી મંડળોને ૮૪૪ લાખની લોન ધિરાણના હુકમો એનાયત

અમદાવાદ જિલ્લામાં દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ માઈક્રો ફાયનાન્સ વર્ટીકલ અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા આયોજિત સ્વ-સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વ સહાય જૂથોને બેન્ક લીંકેજ એક ખુબ જ મહત્વનું પાસું છે. સ્વસહાય જૂથોની નાની મોટી જરૂરિયાતો માટે નાણાંની સગવડ કેશ ક્રેડિટના માધ્યમથી મળી રહે છે.

સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે તારીખ:૨૧/૦૬/૨૦૨૨ ને મંગળવારના રોજ જિલ્લા કક્ષાના કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના (DAY-NRLM) ૨૦૨૨-૨૩ અંતર્ગત સખી મંડળની બહેનોને સી.સી. લોન દ્વારા આર્થિક પ્રવૃતિ કરી ગરીબીમાંથી આગળ આવે

તે હેતુથી કેશ ક્રેડિટ લોન કેમ્પમાં કુલ ૧૬૮૪ અરજીઓ સ્પોન્સર કરવામાં આવી. જેમાંથી ૮૪૪ અરજીઓ મંજુર કરવામાં આવી તથા ૫૧૫ અરજીઓનું કેમ્પ દરમ્યાન ધિરાણ કરવામાં આવ્યું.

ઉપરાંત કેશ ક્રેડિટ કેમ્પ દરમ્યાન કુલ ૨૫ સ્વસહાય જૂથને રીવોલ્વીંગ ફંડ પેટે રૂ. ૫.૬૦ લાખ અને કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ પેટે ૧૪ વિલેજ ઓર્ગેનાઇઝેશનના ૧૧૨ સ્વસહાય જૂથને રૂ. ૮૬.૫૦ લાખના ચેક વિતરણ કરવામાં આવ્યું. સ્વસહાય જૂથોને ટોકન સ્વરૂપે ચેક તેમજ મંજૂરીપત્રો મહાનુભવોના હસ્તે અર્પણ કરાયા હતા.

વિશેષ ઉપસ્થિત રહેલા સાણંદના ધારાસભ્યશ્રી કનુભાઇ પટેલે જણાવ્યું કે સ્વસહાય જૂથના બહેનો કેશ ક્રેડિટ લોન, કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ વગેરે આર્થિક સહાય સરકારશ્રી દ્વારા મેળવીને તેમના દ્વારા સંચાલિત નાના મોટા ધંધા રોજગારની પ્રવૃત્તિમાં આગળ વધી આર્થિક રીતે પગભર બને તે સમયની માંગ છે તેમણે બહેનોને શુભકામનાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં સ્વ સહાય જુથના ૬૧૫ બહેનો સહભાગી થયા હતા. કાર્યક્રમમાં સ્વ સહાય જૂથમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલા કુલ ૦૫ બહેનોનું મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. બહેનોએ પોતાની કામગીરી અને તેમના જીવનમાં આવેલ બદલાવ અંગે સ્વાનુભવ જણાવ્યા હતા.

આ પ્રસંગે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનીલભાઇ ધામેલિયા, બેંક મેનેજરશ્રી આર.એમ. ઝવેરી, RSETI નિયામકશ્રી, એડીસી બેન્ક (ADC BANK), બરોડા ગ્રામીણ બેન્ક (BARODA GRAMIN BANK), એચડીએફસી બેન્ક(HDFC BANK) , આઈસીઆઈસીઆઈ (ICICI BANK) ના મેનજરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. – મનીષા પ્રધાન


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.