ઉત્તર પ્રદેશનાં અયોધ્યા, કાશી અને મથુરાનું સુરક્ષા કવચ બદલાશે
લખનૌ, ઉત્તર પ્રદેશનાં ત્રણ મુખ્ય ધાર્મિક સ્થળો, અયોધ્યા, મથુરા અને કાશી ઉપરાંત મુખ્ય પર્યટન કેન્દ્ર તાજમહાલની સુરક્ષા માટે સરકારે સુરક્ષા-ઓડીટ કરવા ર્નિણય લીધો છે. ગયા મહિને જ યોજાયેલી સુરક્ષા સંબંધી વ્યવસ્થા વિચારવામાં આવી હતી.
જેમાં ડ્રોન હુમલા સહિત વિવિધ પ્રકારે આતંકીઓ દ્વારા થઈ શકે તેવા હુમલાઓ વિષે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ ચારે સ્થળો નિશ્ચિત કરવા માટેનું કારણ તે છે કે કાં તો તે સ્થળોમાં ભૌગોલિક પરિવર્તન આવ્યું છે અથવા તો તે અંગે નવા વિવાદો ઉભા થયા છે. આ વિવાદોના કારણે જ વધુ ખતરાની આશંકા ફેલાઈ રહી છે.
અયોધ્યામાં રામ મંદિરનું વિધિવત્ નિર્માણ શરૃ થયા પછી અસ્થાયી મંદિરનું સ્થાન બદલવામાં આવ્યું છે. તેથી દર્શન માર્ગનું અંતર હવે પહેલાં કરતાં ઓછું થશે. વળી અધિગ્રહિત પરિસરની ભૌગોલિક સ્થિતિ પણ બદલાઈ ગઈ છે. મંદિર ક્ષેત્રનો વિસ્તાર પણ વધ્યો છે. જે પહેલા ૭૦ એકર હતો તે વધારીને ૧૦૭ એકર કરાયો છે.
પહેલા અહીં ત્રિસ્તરીય સુરક્ષા ઘેરો હતો તે હવે અપ્રસ્તુત બની ગયો છે. આથી સમગ્ર સુરક્ષા કવચમાં મૂળભુત પરિવર્તન કરવું અનિવાર્ય બન્યું છે. તેથી આ સુરક્ષા ઓડીટ કરાઇ રહ્યું છે. કાશી-વિશ્વનાથ મંદિર અંગે પણ અકારણ વિવાદો ઉપસ્થિત કરાઈ રહ્યા છે. કારણ કે તેના વર્તમાન કોરિડોરનું સ્વરૃપ જ બદલાઈ ગયું છે.
જ્ઞાાનવાપી મસ્જીદ સાથે નવા વિવાદો ઉપસ્થિત થતાં તેનો સુરક્ષા ઘેરો વધુ મજબૂત બનાવાયો છે. તેમાં વ્યવહારિક બદલાવ કરાશે તેમજ અન્ય પ્રકારના સંભવિત ભયોને પહોંચી વળવા પૂરી વ્યવસ્થા નથી.
ભગવાન શ્રી કૃષ્ણની જન્મ-ભૂમિમાં કોઈ ભૌગોલિક પરિવર્તન તો નથી થયું પરંતુ, તે અંગે શરૃ થયેલા ન્યાયિક- વિવાદે પરિસ્થિતિ ગંભીર બનાવી દીધી છે. અહીં પણ સૌથી વધુ ખતરો ડ્રોન વિમાનના હુમલાનો છે.
તેવી જ સ્થિતિ તાજમહાલ અંગે છે. ત્યાં પણ ડ્રોન હુમલાનો ભય છે. આથી તે ભયને પણ પહોંચી વળવા પૂરી તૈયારી અનિવાર્ય છે. વાસ્તવમાં આ વર્ષે તા. ૩ એપ્રિલે સાંજે ગોરખપુર સ્થિત ગોરખનાથ મંદિરમાં થયેલા હુમલા પછી દેશમાં ધાર્મિક તથા પર્યટન સ્થળોની સુરક્ષા પહેલા કરતાં પણ વધુ મજબૂત બનાવાઈ રહી છે.HS2KP