બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા ભાજપ કાર્યક્રમો કરે છેઃ સી.આર.પાટીલ
મહેસાણા, મહેસાણા ખાતે દૂધ સાગર ડેરી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સી. આર. પાટીલે જણાવ્યુ હતું કે, લોકસેવા અર્થે ભારતીય જનતા પાર્ટી અલગ જ કામ કરી રહી છે.
ભારતીય જનતા પાર્ટી તમામ લોકોની મદદ અને સેવા માટે હંમેશા આગળ હોવાનો સી. આર. પાટીલે દાવો કર્યો હતો. વધુમાં કુપોષણમાંથી બાળકોને બહાર લાવવા ભાજપનો એક-એક કાર્યકર કામ કરે છે અને સુપોષણ અભિયાનને વખાણતા સી.આર. પાટીલે આગામી દિવસોમાં ગુજરાત કુપોષણ મુક્ત બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આ તકે સી.આર પાટીલે સુપોષણ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ઘણા બાળકો કુપોષણ સામે ઝઝૂમી રહ્યા છે. જે તમામ બાળકોને કુપોષણમાથી બહાર લાવવા ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે.
જેમા દૂધ સાગર ડેરી પણ આગળ આવી છે અને કુપોષણનો ભોગ બનેલ બાળકોને બહાર લાવવા માટે ૯૦ દિવસ સુધી દૂધસાગર ડેરી તરફથી દૂધની સહાય આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કુપોષણ સામેની આ લડાઈમાં આગામી સમયમાં જીત નિશ્ચિત હોવાનું સી. આર. પાટીલે અંતમાં ઉમેર્યું હતું.
આ પૂર્વે ખેડા જિલ્લામાં યોજાયેલ એક કાર્યક્રમમાં સી. આર. પાટીલે કુપોષણ સામે લડાઈ લડવા ભાજપ આગેવાનોને કુપોષિત બાળકોને દત્તક લેવા અપીલ કરાઇ હતી.ત્યારબાદ માર્ચ મહીનામાં સુપોષણ મહા અભિયાનનો પ્રારંભ કારવ્યો હતો. જેમાં વ્યક્તિ કે સંસ્થાને કુપોષિત બાળકોને દત્તક લઈ સુપોષીત કરવા જણાવાયું હતુ. સુપોષણ અભિયાન દરમિયાન કઠોળ, ફળ-ફળાદિ સહિતના ખાદ્ય સામગ્રી અપાઈ રહી છે.SS3KP