Western Times News

Gujarati News

અમદાવાદઃ વિવિધ બગીચાઓમાં કસરતના સાધનો મૂકવામાં આવશે

અમદાવાદ, શહેરના અમુક વિસ્તારોમાં AMCના બગીચાઓ તો તમે જાેયા જ હશે. અહીં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો વહેલીસવારે અથવા સાંજના સમયે ચાલવા માટે આવતા હોય છે. આ સિવાય અહીં લોકો આવીને યોગ, સૂર્ય નમસ્કાર, સ્ટ્રેચિંગ વગેરે જેવી કસરત પણ કરતા હોય છે.

Ahmedabad: Exercise equipment will be placed in various gardens

પરંતુ હવે ટૂંક સમયમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા મ્યુનિસિપાલિટીના બગીચાઓમાં છ કરોડથી વધારેના ખર્ચે આઉટડોર જિમ્નેશિયમના સાધનો લગાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે તમામ વયના લોકો આ સુવિધાઓનો ઉપયોગ કરી શકશે. મ્યુનિસિપલ રિક્રિએશન કમિટીની બેઠક પછી ચેરમેન રાજુભાઈ દવેએ જણાવ્યું કે, શહેરના મોટાભાગના વોર્ડમાં લાયબ્રેરી કમ જિમ્નેશિયમ બનાવવામાં આવ્યા છે, પરંતુ નાગરિકો વિવિધ કારણોસર તેનો લાભ લઈ શકતા નથી. પરંતુ હવેના સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બન્યા છે.

મોટી સંખ્યામાં લોકો મોર્નિંગ વોક માટે તેમજ હળવી કસરત કરવા માટે બગીચાઓમાં જતા જાેવા મળે છે. રાજુભાઈ દવેએ આગળ જણાવ્યું કે, દેશ-વિદેશમાં એવુ જાેવા મળે છે કે બગીચાઓમાં નાગરિકો માટે કસરતના સાધનો મૂકવામાં આવે છે. આ પરથી પ્રેરણા લઈને અમે મ્યુનિસિપાલિટીના બગીચાઓમાં સવાર-સાંજ ચાલવા આવતા નાગરિકો માટે આઉટડોર જીમનો લાભ લઈ શકે તેવા સાધનો ગોઠવવાની સૂચના આપી છે.

બગીચા ખાતા દ્વારા પૂર્વ અને પશ્ચિમના બગીચાઓ માટે અલગ અલગ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ ટેન્ડરમાં ૧૯ પ્રકારના કસરતના સાધનો બગીચાઓમાં લગાવવા તેમજ એક વર્ષ સુધી તેના મેઈન્ટનન્સની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે.

રિક્રિએશન કમિટીના ચેરમેન રાજુભાઈ દવેએ આ બાબતે વધારે જાણકારી આપતાં કહ્યું કે, શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા બગીચા નાના-મોટા હોવાને કારણે જગ્યાને ધ્યાનમાં રાખીને સાધનો મૂકવામાં આવશે. વધારે જગ્યા હશે ત્યાં ૧૯ સાધનો લગાવાશે. તોફાની તત્વો સાધનોને નુકસાન ના પહોંચાડે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી બગીચાના સિક્યોરિટી ગાર્ડની રહેશે. આટલુ જ નહીં, ચોમાસામાં જાહેર માર્ગો અને પ્લોટ્‌સમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. તેના રક્ષણ માટે બગીચા ખાતાએ ૨.૮૬ કરોડના ખર્ચે ૨૫ હજાર જેટલા ટ્રી ગાર્ડ ખરીદવાની અરજી કરી છે.

ઓલિમ્પિક ગેમ્સના આયોજનની તૈયારી ચાલી રહી છે તેના સંદર્ભમાં શહેરના યુવાનો સ્વિમિંગમાં ચેમ્પિયન બને તે હેતુસર સ્ટેડિયમ, વાસણા, રાણીપ, સાબરમતી, વાડજ, કાંકરિયા, ઓઢવ અને સીટીએમ જેવા એ ગ્રેડના સ્નાનાગરોમાં સાંજે એડવાન્સ અને સુપર એડવાન્સ કોચિંગની બેચ શરુ કરવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.