પંચમહાલમાં ગોધરા ખાતે વંદે ગુજરાત અને સખી મેળાનું આયોજન
ગોધરા,પંચમહાલ જિલ્લામાં લાલબાગ ટેકરી ગોધરા ખાતે વંદે ગુજરાત અંતર્ગત સરકારની 20 વર્ષની વિકાસયાત્રાની ઝાંખી તથા સખી મેળાનું આયોજન આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં રીબીન કાપીને પ્રદર્શનને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમની શરુઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી તથા મંત્રી નિમિષાબેન સુથારના હસ્તક ત્રણ સખીમંડળની મહિલાઓને રુપિયા ૩૭ લાખ ૫૦ હજારના સહાયના ચેક એનાયત કરવામાં આવ્યા હતા.
વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ અંતર્ગત ગુજરાત સરકારની ૨૦ વર્ષની વિકાસયાત્રાનું પ્રદર્શન કરવામાં આવ્યુ છે. આત્મનિર્ભર ભારતની પહેલને આગળ ધપાવવા ચાર જિલ્લાની સખી મંડળની બહેનો દ્વારા વિવિધ સ્વદેશી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવા ડોમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ૫૦ સ્ટોલ બનાવવામાં આવ્યા છે. આ સમગ્ર આયોજન તારીખ ૨૨ થી તારીખ ૨૮ સુધી સવારે ૯ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી ચાલશે.
સ્ત્રીશક્તિનને સશક્ત બનાવવા તથા ગ્રામ્ય વિસ્તારની ગરીબ મહિલાઓને આર્થિક તથા સામાજીકરીતે પગભર કરવા માટે સામાજીક ગતિશિલતા અને આત્મનિર્ભર બનાવવા સખી મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. સરકારની પહેલથી મહિલાઓની સામૂહિક શક્તિને વિકાસાવી મહિલાઓને આર્થિક તથા સામાજીક રીતે સક્ષમ બનાવવાનો છે.આ કાર્યક્રમ હેઠળ વિવિધ વિસ્તારોમાં સ્વસહાયજૂથો બનાવી મહિલાઓની ઉન્નતિ થાય તે માટે તેઓને બેન્ક સાથે જોડાણ કરી અને તાલીમ થકી આર્થિક પ્રવૃતિઓ કરતા થાય અને સમાજમાં સ્વમાનભેર જીવન ગુજારી શકે તેવુ આયોજન હાથ ધરાયું હતુ.
આ પ્રસંગે મંત્રી નિમિષાબેન સુથારે પોતાના ઉદ્દ્બોધનમાં આત્મનિર્ભર મહિલાઓને અભિનંદન પાઠવ્યા હતા તથા જણાવ્યું હતું કે તાત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલથી આજે છેવાડાના ગામડાઓ આત્મનિર્ભર બન્યા છે. તેમણે બહેનોને નમન કરતા કહ્યુ કે ગુજરાતની ધરતી અને સાહસવૃતિને પરીણામે આજે વિવિધ વિકાસના કાર્યોથી આગવી ઓળખ ઉભી કરી છે. સરકાર એ સગર્ભા માતાઓ માટે માતૃવંદના અને માતૃશક્તિ જેવી યોજનાઓ લાવીને બહેનોનો ઉદ્વાર કર્યો છે. આજે ગુજરાત સુરક્ષીત બન્યું છે.
તેમણે સરકારની ઉપલબ્ધીઓ વિશે વાત કરતા જણાવ્યું કે આજે મહિલાઓને માન મળ્યુ છે. નલ સે જલ યોજના અંતર્ગત પોતાના ઘરે જ પાણીની વ્યવસ્થા થઈ છે. ઉજ્જ્વલા યોજના અંતર્ગત બહેનોને ધુમાડામુક્ત જીવન મળ્યું છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત વાર્ષિક ૬૦૦૦ રુપિયાની સહાય મળી છે.આ પ્રસંગે તેમણે ફાચર ગામનું ઉદાહરણ આપતા કહ્યુ હતું કે આ ગામમા જતા પહેલા પાણીમાથી નિકળવું પડતું હતુ જ્યારે આજે પુલ અને રસ્તાઓનુ નિર્માણ થયું છે. આજે વિશ્વની સૌથી મોટી આરોગ્યલક્ષી યોજના આયુષ્યમાન ભારત થકી કરોડો દેશવાસીઓને મફત સારવાર મળી રહી છે. આજે સર્વાગીં ગ્રામ્ય વિકાસ થકી દેશનો વિકાસ થયો છે.
આજના આ પ્રસંગે ગોધરા તાલુકાના અંબાલી ગામની અંબાલી ગ્રામ સખી સંઘને ૧૫ લાખ, મોરવા હડફ તાલુકાના વેજમા ગામની વેજમા સખી સંઘને ૧૫ લાખ તથા ઘોઘંબા તાલુકાના દેવલીકુવા ગામની દેવલીકુવા ગ્રામ સખી સંઘને ૭.૫૦ લાખના સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
આજના આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ, જિલ્લા તથા તાલુકાના વિવિધ હોદ્દેદારો અને પદાધીકારીઓ સહિત મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી હતી.
તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા