બેચરાજી તાલુકાના આસજોલ, રૂપપુરા અને રાંતેજ પ્રાથમિક શાળાના બાળકોનું નામાંકન કર્યુ
શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ મહેસાણા જિલ્લાના શાળા પ્રવેશોત્સવની ૧૭મી શ્રુંખલાનો પ્રારંભ કરાવ્યો
ભૂલકાઓ સાથે શિક્ષણમંત્રીશ્રીનુ વાત્સલ્યના અનેરા ભાવથી બાળકોને પ્રોત્સાહિત કર્યા
શિક્ષણથી સમાજમાં આમુલ પરીવર્તન લાવવાનો કાર્યક્રમ એટલે શાળા પ્રવેશોત્સવ : શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી
સ્કુલ ઓફ એક્સલન્સથી ૨૦ હજાર શાળાઓનું અપગ્રેડેશન ૧૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચે થઈ રહ્યું છે
આસજોલ ગામે પાંચ ઓરડાઓના નવીન મકાનનું તેમજ રાંતેજ ગામમાં સાત ઓરડાના નવીન મકાનનું લોકાર્પણ કરાયું
શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ મહેસાણા જિલ્લાના શાળા પ્રવેશોત્સવની ૧૭ મી શ્રુંખલાના પ્રારંભ કરતા જણાવ્યું હતુ કે, રાષ્ટ્રના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટી પગલે શરૂ કરેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના માધ્યમથી આજે રાજ્યમાં શૈક્ષણિક વિકાસમાં ક્રાંતિ આવી છે.
શિક્ષણમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં 32,013 શાળાઓમાં ત્રિ દિવસીય કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવના મહાયજ્ઞમાં અધિકારીઓ, પદાધિકારીઓ સમાજના આગેવાનો બાળકો સાથે જોડાયા છે. તેમણે ઉમેર્યુ હતુ કે રાજ્યમાં “વિદ્યા સમીક્ષા કેન્દ્ર” દ્વારા વિદ્યાર્થી અને શિક્ષકોના મોનીટરીંગની વ્યવસ્થાની પહેલ ગુજરાતે કરી છે.
શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આધુનિકતા અને તકનીકનો ઉપયોગ કરી શિક્ષણને સર્વશ્રેષ્ઠ બનાવવા કમર કસી છે. ગુણવત્તાલક્ષી શિક્ષણથી આજે સમાજનો બાળક મુખ્ય પ્રવાહમાં આવ્યો છે. શિક્ષણથી સમાજમાં આમુલ પરીવર્તન લાવવાનો કાર્યક્રમ એટલે શાળા પ્રવેશોત્સવ તેમ જણાવી સમાજના છેવાડાના માનવીમાં શિક્ષણ માટે વાતાવરણ ઉભુ થયું છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યુ હતું.
શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, 20 વર્ષ પહેલાના અને આજના શિક્ષણની કલ્પના એજ શિક્ષણ વિકાસની પ્રગતિ છે. શાળા પ્રવેશોત્સવ થકી લોકોને શિક્ષણ સાથે જોડવાનું કામ કર્યું છે. શિક્ષણમાં જાગૃતિને ભગીરથ કાર્યની અવિરત યાત્રા શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સહભાગી બનશે.
શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ નિતિ ને પગલે ઉત્તમથી સર્વોત્તમ શિક્ષણનો માર્ગ ગુજરાતે અપનાવ્યો છે. રાજ્ય સરકારે વિધાર્થીઓના ઇનોવેશન, આઇડીયાને પ્રોત્સાહન મળે તે માટે રૂ.500 કરોડની જોગવાઇ કરી દેશમાં ગુજરાતે આગેવાની લીધી છે.
તેમણે જણાવ્યું હતું કે, સત્તા અને પદ રાજ્યની સેવા માટે છે. સરકારે ગામડામાં પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ મળે તે માટે વિશેષ ચિંતા કરી છે. દેશના પ્રધાનમંત્રીશ્રીએ સેવેલ સ્વપ્ન એક ભારત શ્રેષ્ઠ ભારત થકી વિશ્વ ગુરૂની પહેલમાં સાથે મળીને આગળ વધવા અપીલ કરી હતી.
મંત્રીશ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, શિક્ષણના વિકાસ થકી ગુજરાતને એક નવી ઓળખ મળી છે. છેલ્લા ૨૦ વર્ષમાં રાજ્યના વિકાસમાં અનેક આમૂલ પરિવર્તનો આવ્યા છે. રાજ્યના ગામડાઓને જીવંત બનાવવા સરકારે કમર કસી છે . સુજલામ સુફલામ યોજનાથી ખેતર નવપલ્લિત થયા છે જેનાથી ગ્રામીણ રોજગારીનું સર્જન થયું છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડી ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં સરકારે કામ કર્યું છે. ચાર હજાર કરોડની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાથી 1000 દિવસ પોષણક્ષમ આહાર આપી સુપોષિત માતાનું લક્ષ્ય સાકાર થઇ રહ્યું છે. રાજ્યના નાગરિકોને આરોગ્યની સલામતી માટે આયુષ્યમાન ભારત કાર્ડ યોજના એ આજે નવી સિદ્ધિ હાંસલ કરી છે. મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સ્કુલ ઓફ એક્સલન્સથી ૨૦ હજાર શાળાઓનું અપગ્રેડેશન ૧૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચે થઈ રહ્યું છે.
આ પ્રસંગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આધારીત નિપુણ ભારતના અભિયાનની પહેલ માટે બાળકોમાં સારા સ્વાસ્થ અને સુખાકારી નિર્માણ માટે અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રીશ્રીનું આસજોલ, રૂપપુરા અને રાંતેજ ગામના અગ્રણીઓ દ્વારા તથા શિક્ષણ કર્મયોગીઓ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. શાળામાં ધોરણ 3 થી 8 સુધી પ્રથમ, દ્રિતીય અને તૃતીય આવનાર બાળકોનુ સન્માન કરાયું હતું. શાળામાં સો ટકા હાજરી આપનાર બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા.
મંત્રીશ્રી સહિત મહાનુભાવો દ્વારા આ ત્રણેય ગામના બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ બાળકો સાથે વાતો કરી શાળામાં પ્રવેશતા નાના ભૂલકાઓને મંત્રીશ્રીએ તેડીને શાળામાં પ્રવેશ અપાયો હતો.
વિધાર્થીઓ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ, બેટી બચાઓ સહિતના વિષયો પર વક્તૃત્વ રજુ કરાયું હતું. આ પ્રસંગે આસજોલ ગામે પાંચ ઓરડાઓના નવીન મકાનનું લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત રાતેજ ગામમાં પણ સાત નવીન ઓરડાના નવીન મકાનનું લોકાર્પણ કરાયું હતું. મંત્રીશ્રી દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વગૃહમંત્રી શ્રી રજનીકાન્ત પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મુકેશભાઇ પટેલ, અગ્રણી ભગાજી ઠાકોર, બેચરાજી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સોનલબહેન પટેલ, અગ્રણી કેશુભાઇ પ્રજાપતિ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ વિરેન્દ્રસિંહ ઝાલા, મયુરભાઇ પટેલ, ઉધોગ સેલના મહેન્દ્રભાઇ પટેલ, પ્રથામિક શિક્ષણના નિયામક શ્રી એમ.આઈ.જોશી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગૌરાંગ વ્યાસ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મોઢ, ગામના સરપંચશ્રીઓ, પદાધિકારીઓ, અઘિકારીઓ, ગ્રામજનો વાલીઓ વિધાર્થીઓ અને ભુલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.