Western Times News

Gujarati News

સ્ત્રીઓ ઘર સાફસૂફી કરતાં ઘરને પ્રભુનું મંદિર સમજે, તો પ્રભુને ગમશે

Indian women working in home

પ્રતિકાત્મક

કેવો ઘરસંસાર પ્રભુને ગમે?

સંસારને સજા ન ગણો, ઋષિ બધા જ સંસારી |, રામકૃષ્ણ અવતારી, તે પણ હતા ઘરબારી ||

માનવજીવનને સુલભ બનાવવા ચાર આશ્રમો રાખ્યા છે-બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. તેમાં ગૃહસ્થાશ્રમ ઉપર પેલા ત્રણ આશ્રમો આધાર રાખે છે. જેથી ગૃહસ્થાશ્રમ સ્થિર હોય, સમૃદ્ધ હોય, શાશ્વત નૈતિકમૂલ્યો આધારિત હોય, ઈશ્વરપરાયણ હોય, ઘરના તમામ સભ્યો પોતાના સ્થાને રહી પિતા સ્થાને પિતૃધર્મ, પુત્રસ્થાને પુત્રધર્મ, પત્નીધર્મ, પુત્રવધૂધર્મ તે રીતે પોતપોતાની ફરજ બજાવે, કર્તવ્યપરાયણ રહી કર્મ કરે, કર્મ મારી પૂજા છે, સજા નહિ, વેઠ નહિ.

સ્ત્રીઓ ઘરકામ કરતાં, રસોઈ કરતાં, હું ઘરના તમામ વ્યક્તિઓને દેવ સમજીને તેમના માટે નૈવેદ બનાવું છું એમ સમજે. ઘર સાફસૂફી કરતાં ઘરને પ્રભુનું મંદિર સમજે. પુરુષ વર્ગ ધંધો, વ્યવસાય કે નોકરી કરવા જતા હોય તે સમયે ઘરમાંથી નીકળે ત્યારે પત્નીએ હાથ જાેડી જય શ્રીકૃષ્ણ, જય યોગેશ્વર કહી વિદાય આપે.

કર્મ મારી પૂજા છે તે મુજબ એકાગ્ર બનીને કામ કરતા હોય. સવારે બધા ઘરમાં પાંચ વાગે ઊઠી જતા હોય, બાળકો નાહી-ધોઈ માતા, પિતા, વડીલોને પગે લાગી અભ્યાસમાં બેસી જતા હોય, પ્રભાતના સમયે મનની એકાગ્રતા વધુ હોય. અભ્યાસ માટેનો ઉત્તમ સમય છે.

વડીલો પાઠ-પૂજા, ધ્યાન કરતા હોય, બહેનો રસોઈ કરતાં મંગલ ગાન, ગીતા-પારાયણ સ્તોત્રો ગણગણતી હોય. આમ ઘરમાં તમામ સભાસદ પ્રભુપ્રેમમાં તરબોળ રહી, પ્રસન્નતાના પમરાટથી એકબીજાને સુખી કરવા, સુખી જાેવા હૃદયના ભાવોની આપલે કરતા હોય, બધા જ સભ્યો ભેગા મળી કુટુંબ પ્રાર્થના કરતા હોય ત્યારે ભગવાન પણ તેનું ભગવાનપણું ભૂલી તે બધાના સમૂહમાં અવ્યક્ત રૂપે સમરસ થાય જ.

આવા ઘરસંસારમાં પ્રભુની અવ્યક્ત શક્તિ ભળતાં દૈવી સુખ અને સમૃદ્ધિથી ઘર ભર્યું ભર્યું લાગે. તેવા ઘરોમાં પ્રારબ્ધ વસાત આવેલાં દુઃખો જ દુઃખમાં પડશે, ચિંતાઓ જ ચિંતામાં પડશે, અગવડો જ અગવડમાં પડશે. ઘરમાં નારાયણી શક્તિ જ બધા દુઃખોને હણી નાખે છે. નારાયણી શક્તિ ઐક્યમાં રહે છે. ઘરમાં હું કરું તેમ નહિ તું કરે છે, તેમ નહિ આપણે કર્યું તે સમજ કેળવાય. આપણે કર્યું તે ભાષા કુટુંબમાં આવે તે યજ્ઞીય ભાષા છે.

પાંડવો જ્યારે એકચક્રી નગરમાં એક બ્રાહ્મણ કુટુંબને ત્યાં રહેતા હતા. આ નગરની બહાર એક બકાસુર રાક્ષસ રહેતો હતો. તેના ખોરાક માટે તે નગરજનોને દરરોજ લાડુ અને એક માણસને મોકલવો પડતો. હવે તે ટાઈમે આ બ્રાહ્મણના ઘરે માણસ મોકલવાનો વારો આવેલો.

સાંજે ઘરના તમામ સભાસદો ઘરમાં ભેગા થયા. કોણે જવું તે નક્કી કરવા તો તે ઘરમાંના વડીલ પિતાએ રડમસ ચહેરે પ્રસ્તાવ મૂક્યો કે હું કાલે રાક્ષસના ખોરાક માટે જઈશ. આજ સુધી કોઈને કડવું માઠું બોલ્યો કર્યો હોય તે માફ કરજાે. તમે બધા શાંતિથી સંપથી રહેજાે.

ત્યારે ઘરના બધા રડી પડ્યા. ગમગીની ફેલાઈ ત્યારે ઘરનાં માજી બોલ્યાં તમે મને લાવ્યા છો, મારા જીવતાં હું તમને મરવા સંમતિ ન આપું. કાલે હું મરવા માટે જઈશ. ત્યારે પુત્ર બોલ્યો-બા બાપુજી તમે મને પેદા કર્યો છે, આ શરીર ઉપર તમારો અધિકાર છે. મારા જીવતાં તમને મરવા હું ન મોકલી શકું, હું જ જઈશ. દીલની વેદનાઓ અસહ્ય થઈ ત્યારે પુત્રી બોલી-ભાઈ મારા દેખતાં તું મરે તે કેમ બને, હું તો પારકા ઘરની છું.

ઘરનો દીવો તો તું છે, તે બુજાય તે મને ન પાલવે. કાલે વારા મુજબ હું જ રાક્ષસના પેટમાં જઈશ. આ દુઃખી અવાજાેનો સંવાદ ઘરની બહારના ઓટલે બેઠેલા કુંતા માતાએ સાંભળ્યો ત્યારે કુંતી રડી પડ્યાં અને ઉઠીને જઈને કહ્યું-ના તમારો એકનો એક પુત્ર-પુત્રી છે, મારે પાંચ પુત્રો છે, હું મારા એક પુત્રને રાક્ષસને ખાવા માટે મોકલીશ.

ત્યારે બ્રાહ્મણે કહ્યું અતિથી દેવો ભવ. તમે અમારા અતિથી છો. તમને મરવા માટે હું સંમતિ ન આપી શકું. કુંતા સમજાવે છે કે મારો પુત્ર તે રાક્ષસને મારી નાખશે, તમે ચિંતા ન કરો. સારાયે નગરનું કાયમી દુઃખ દુર થશે અને તે મુજબ જ થયું. ભીમે બકાસુરને મારી નાખ્યો.

ઘરસંસારમાં આવેલા દુઃખને ઉપાડવા પડાપડી થાય, પગને કાંટો વાગે ત્યારે હાથ તેને કાઢવા જાય, આંખમાં આંસુ આવે. મન-બુદ્ધિ તે દૂર કરવા એકાગ્ર થાય. શરીરના બધા અંગો ઘટકો જુદા છે પણ બધાનું ઐક્ય છે. તેવી રીતે ઘરમાં રહેનારા બધા વ્યક્તિઓ કુટુંબના ઘટકો છે.

કુટુંબ માટે ઐક્ય રાખે તો જેમ બગીચામાં જુદા જુદા ફૂલ છોડ હોય અને તેમના ફૂલોની જુદી જુદી સુગંધથી વાતાવરણ સુગંધીત બની મહેંકી ઊઠે છે, જુદા જુદા રંગોથી શોભી ઊઠે છે, તેવો બગીચો સહુને ગમે છે. તેમ ભગવાને આપણા ઘર બગીચાને જુદા જુદા માનવરૂપી છોડ મૂક્યા છે તે દરેક માનવપુત્રો પોતાના પાત્ર મુજબના ગુણોથી ઘરને મહેકાવે. એકબીજાને હૂંફ આપી ભાવોથી ભીંજાવે તો આવો ઘરસંસાર પ્રભુને જરૂર ગમશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.