બાળકો લક્ષ્યથી ન ભટકે તે માટે વાલીઓની સજાગતા અને મહેનત જરૂરી છે: અવંતિકા સિંઘ
બાળકોના પ્રાથમિક શિક્ષણમાં વિશેષ ધ્યાન અપાશે તો તેમનો ઉછેર સારો થશે
કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રીશ્રીના સચિવ અને માહિતી-પ્રસારણ સચિવ શ્રીમતી અવંતિકા સિંઘે ગાંધીનગર જિલ્લાના કોટેશ્વર,
ભાટ અને સુઘડ ગામોની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ માં ૫૭ કન્યા અને ૫૦ કુમાર સહિત ૧૦૭ વિદ્યાર્થીઓને ભાવપૂર્વક આવકાર્યા હતા. આ ત્રણ ગામોમાં ૩૭ ભૂલકાઓએ આંગણવાડીમાં પ્રવેશ લીધો હતો.
બાળકોને દફતર, પુસ્તકો અને ચોકલેટ સાથે આવકારતા શ્રીમતી અવંતિકા સિંઘે કહ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવને કારણે શાળામાં ઉત્સવનું વાતાવરણ સર્જાતું હોવાથી હવે પ્રવેશ વખતે બાળકો ખુશખુશાલ દેખાય છે.
શિક્ષણ પ્રત્યે બાળકોની રૂચી જળવાઈ રહે અને બાળકો લક્ષ્યથી ન ભટકે એ માટે વાલીઓની સજાગતા અને મહેનત જરૂરી છે. રમત ગમત એ બાળકોનો મૂળ સ્વભાવ છે, તેની સાથોસાથ અભ્યાસ પણ એકાગ્રતાથી થવો જોઈએ.
સુઘડમાં ઘટાટોપ લીમડાના વૃક્ષોના છાયડે યોજાયેલા પ્રવેશોત્સવ સમારોહમાં સંબોધન કરતા શ્રીમતી અવંતિકા સિંઘે કહ્યું હતું કે, વર્ષો પહેલાં કોઈ જાગૃત જવાબદાર નાગરિકે આ લીમડા વાવ્યા હશે,
તો આજે આપણને તેના છાયડાનો લાભ મળી રહે છે. એમ બાળકોના પ્રાથમિક શિક્ષણમાં વિશેષ ધ્યાન અપાશે તો તેમનો ઉછેર સારો થશે અને તો આવનારા સમયમાં સમાજને તેનો લાભ મળશે.
શ્રીમતી અવંતિકા સિંઘે કોટેશ્વર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ સમારોહમાં ગામના દાતાઓનુ બહુમાન કર્યું હતું. કોટેશ્વરની શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા શ્રી ભરતભાઈ બાબુભાઈ પટેલે શાળાના રિનોવેશન માટે રૂ. ૧૦ લાખનું માતબર દાન આપ્યું છે,
તો સ્વર્ગસ્થ મગનભાઈ ખોડાભાઈ પટેલે શાળા માટેની જમીન દાનમાં આપી હતી. આ માટે દાતાઓનું સન્માન કરાયું હતું. શ્રીમતી અવંતિકા સિંઘે દાતાઓની સખાવતની સરાહના કરીને આભારની લાગણી પ્રદર્શિત કરી હતી.
કન્યા કેળવણી માટે વિશેષ ભાર આપતા તેમણે પોતાનું દ્રષ્ટાંત આપતા કહ્યું કે, અમે બંને બહેનોને ભણાવવામાં લશ્કરમાં નોકરી કરતા અમારા પિતાજીએ કોઈ કચાશ રાખી નથી. દીકરા જેટલું જ ધ્યાન રાખીને તમને બંનેને ભણાવી છે.
આજે અમે દીકરાની જેમ તેમની સેવા કરીએ છીએ. દીકરાઓ કરતાં દીકરીઓ જરાય ઉતરતી નથી, એટલું જ નહીં દીકરાઓની સરખામણીએ દીકરીઓ વધુ શાંત, સરળ અને મહેનતુ હોય છે. તેમણે દીકરીઓને તન્મયતાપૂર્વક મન દઈને ભણવા અનુરોધ કર્યો હતો.
શાળામાં ઓછામાં ઓછી ગેરહાજરી હોય એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રીમતી અવંતિકા સિંઘે આવા વિદ્યાર્થીઓના વાલીઓને પણ બોલાવીને તેમનું સન્માન કર્યું હતું અને કહ્યું હતું કે, વધુને વધુ વાલીઓ દરકાર કરે કે શાળામાં તેમના બાળકોની હાજરી સો એ સો ટકા રહે.
શાળાના આચાર્યા પુષ્પાબેન મકવાણાએ મહાનુભાવોનો આભાર માન્યો હતો. આ પ્રસંગે કોર્પોરેટર શ્રી માણેકજી ખોડાજી ઠાકોર, ભીખાજી માધાજી ઠાકોર અને શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કૈલાસબેન સોલંકી તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ભાટ અને હુડકો-ભાટ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ પ્રસંગે શ્રીમતી અવંતિકા સિંઘે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓના શાળા જીવનની આ શરૂઆત છે. વિદ્યાર્થીઓને પોતાના લક્ષ્યમાં સફળ થવું હશે તો ભણતર અનિવાર્ય છે. અઘરા લાગતા વિષયોને પણ ગમાડવા પડશે. તો જ શિક્ષક, ડૉક્ટર, પોલીસ કે સૈનિક બનવાનું સપનું સાકાર થશે.
સુઘડ સરકારી પ્રાથમિક શાળાના પ્રાકૃત્તિક પરિસરમાં પ્રવેશોત્સવ દરમિયાન શ્રીમતી અવંતિકા સિંઘે કહ્યું હતું કે, આવનારી કાલને વધુ ઉજ્જવળ બનાવવા માટે આપણે આજે મહેનત કરવી પડશે. તેમણે બાળકોને સુઘડ ગામનું અને શાળાનું નામ રોશન કરવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે કોર્પોરેટર શ્રી માણેકજી ખોડાજી ઠાકોર, તેજલબેન પરમાર અને ગામના દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી અવંતિકા સિંઘે ત્રણેય શાળાઓનાં પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. ગાંધીનગરના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરજ બારોટ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી ડૉ. હિતેશભાઈ દવે અને અન્ય અધિકારીઓ પ્રવેશોત્સવમાં જોડાયા હતા.