તિસ્તા સેતલવાડની મુંબઈમાં તેમના ઘરેથી અટકાયત કરાઈ
મુંબઈ, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત ATSએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની અટકાયત કરી છે. તેમને પહેલા મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. થોડો સમય અહીં રહ્યા બાદ એટીએસ તિસ્તા સેતલવાડ સાથે અમદાવાદ જવા રવાના થઈ હતી. ગુજરાત ATSની આ કાર્યવાહી ૨૦૦૨ના ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટના ર્નિણયના એક દિવસ બાદ કરવામાં આવી છે.
ગુજરાત ATSની બે ટીમ શનિવારે તિસ્તા સેતલવાડના મુંબઈમાં ઘરે પહોંચી હતી. સુપ્રિમ કોર્ટે ગુજરાત રમખાણોમાં સેતલવાડની એનજીઓની ભૂમિકા અંગે વધુ તપાસ કરવા પણ કહ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે ATSએ અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચમાં તિસ્તા સેતલવાડ વિરુદ્ધ FIR નોંધી છે.
ગુજરાત એટીએસના સૂત્રએ જણાવ્યું હતું કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નોંધાયેલી એફઆઈઆરના સંદર્ભમાં ગુજરાત એટીએસ દ્વારા તિસ્તા સેતલવાડની મુંબઈથી અટકાયત કરવામાં આવી છે. એક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે ૨૦૦૨ના ગોધરા રમખાણોના મામલામાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્યોને એસઆઈટી દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટને પડકારતી અરજીને ફગાવી દીધી હતી.
સેતલવાડની એનજીઓએ ઝાકિયા જાફરીને તેમની કાનૂની લડાઈ દરમિયાન ટેકો આપ્યો હતો. રમખાણો દરમિયાન જાફરીના પતિ એહસાન જાફરીનું મોત થયું હતું. મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે સેતલવાડને ગુજરાત પોલીસે તેમના સાંતાક્રુઝના ઘરેથી અટકાયતમાં લીધા હતા. તેમણે કહ્યું કે અમે તેમના દ્વારા માંગવામાં આવેલી સહાય પૂરી પાડી છે.SS3KP