સાબરમતી જેલમાં કાચા કામના કેદીનો ટીશર્ટ વડે ગળેફાંસો ખાઈ આપઘાત
અમદાવાદ, અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કેદીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મહત્ત્વની વાત એ છે કે, આપઘાત કરનાર કેદી વટવા GIDC હત્યાના પ્રયાસના કેસમાં જેલમાં બંધ હતો અને કેદીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. તો બીજી તરફ આપઘાત કરતા પહેલા કાચા કામના કેદીએ સ્યૂસાઈડ નોટ પણ લખી હતી. આ ઘટનાની જાણ પોલીસ અધિકારીઓને થતા પોલીસ દ્વારા કાચા કામના કેદીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને સ્યૂસાઈડ નોટ કબ્જે કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
રિપોર્ટ અનુસાર, સાબરમતી મધ્યસ્થ જેલમાં બેરેક નંબર ૨માં વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો એક ગુનો દાખલ થયો હતો. તે ગુનાનો આરોપી દિપક આહિર જેલમાં બંધ હતો. ૨૧ જૂનના રોજ બપોરના સમયે દિપક આહિર નામના કાચા કામના કેદીએ બેરેક નંબર ૨ના બાથરૂમમાં જઈને પોતાના ટી શર્ટ વડે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ જેલના પોલીસ અધિકારીઓને થઇ હોવાના કારણે પોલીસ અધિકારી તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ રાણીપ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
રાણીપ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ મધ્યસ્થ જેલમાં પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ કરતાં સામે આવ્યું હતું કે, દિપક આહિર નામના કાચા કામના કેદીએ ગળેફાંસો ખાતા પહેલા સ્યૂસાઈડ નોટ લખી છે. જેમાં તેણે પત્ની સાથે થયેલા ઝઘડા બાબતેની પારિવારિક બાબતોનો પણ ઉલ્લેખ કર્યો હોવાની માહિતી મળી હતી. પોલીસ દ્વારા દિપક આહિર નામના આરોપીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તો બીજી તરફ આરોપીના પરિવારના સભ્યોનું કહેવું છે કે, દિપકને તેની પત્ની સહિત કેટલાક લોકો દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો અને થોડાં દિવસો પહેલા જ દિપક સામે તેના બાળકની હત્યાના પ્રયાસનો ગુનો પણ દાખલ થયો હતો અને આ બાબતે દિપકે આપઘાત કર્યો હોઈ શકે છે.
આ સમગ્ર મામલે રાણીપ પોલીસે મૃતક પાસેથી મળેલી સ્યૂસાઈડ નોટના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં જાણવાનું રહેશે કે, દિપક આહિરની આત્મહત્યા પાછળનું સાચું કારણ શું છે.HS3KP