અમદાવાદમાં વાવાઝોડા સાથે વરસાદ: ઠેરઠેર વૃક્ષો ધરાશાયી
અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન: વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા શહેરીજનોએ બફારામાં રાહત મેળવી: મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો
(એજન્સી) અમદાવાદ, ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં હતા. બીજી તરફ અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો વરસાદની આતુરતાથી રાહ જાેતા હતા. તેમજ ભારે બફારના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યો હતો. Heavy rain in Ahmedabad
દરમિયાન આજે રવિવારે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોની આતુરતાનો અંત આવ્યો હતો. અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વચ્ચે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ભારે પવનને કારણે શહેરમાં લગભગ ૨૫ જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા.
મનપા દ્વારા શરૂ કરવામાં આવેલા કન્ટ્રોલ રૂમમાં ફોન રણકણતા રહ્યાં હતા. વૃક્ષો ધરાશાયી થવા અને પાણી ભરાવાના કારણે પાંજરાપોળ અને આંબાવાડી સહિતના વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
અમદાવાદ શહેરમાં સાંજના સમયે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેથી અનેક માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. આ ઉપરાંત ભારે પવનના કારણે અનેક સ્થળો ઉપર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની હતી. તેમજ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઈ હતી. જેથી બફારામાં લોકોએ રાહત અનુભવી હતી.
શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાત્રિના સમયે પણ વીજળીના ભારે કડાકા ભડાકા થયા હતા. વરસાદ વરસતા અમદાવાદીઓમાં ખુશીની લાગણી ફેલાઇ છે. વરસાદ વરસતા લોકો ન્હાવા ઢાબા પર ચઢ્યા છે.
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર, ઇસ્કોન, બોપલ વગેરે વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વાતાવરરણમાં અચાનક પલટો આવતા ગરમીથી લોકોને રાહત મળી છે. અમદાવાદમાં લાંબા વિરામ બાદ આજે મેઘરાજાની પઘરામણી થતા લોકોમાં ખુશી ફેલાઈ હતી. તેમજ નાના બાળકોએ વરસાદમાં ભીંજાઈને વરસાદની મજા માણી હતી.
દેશમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઇ ગયું છે. જાે કે ગુજરાતમાં અમુક વિસ્તારોને બાદ કરતા હજુ વરસાદ વરસ્યો નથી. જેના કારણે જૂન મહિનામાં સરેરાશ કરતા ઓછો વરસાદ વરસ્યો છે. ચાલુ વર્ષે દેશભરમાં ચોમાસું ૧૦૩ ટકા રહેવાની ધારણા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આમ તો દેશમાં સત્તાવાર ચોમાસું બેસી ગયાને એક મહિનો વીતી ગયો છે. પરંતુ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોને બાદ કરતા મોટા ભાગનું ગુજરાત કોરુધાકોર છે.
આમ તો ગુજરાતમાં જૂન મહિનામાં વરસાદનો પ્રારંભ થાય છે. વર્ષ ૨૦૧૧માં ૧૩ જૂને ચોમાસું બેઠું, તો વર્ષ ૨૦૧૨માં ૧૭ જૂને મોસમનો પહેલો વરસાદ વરસ્યો હતો. વર્ષ ૨૦૧૩માં ૯ જૂને મેઘરાજાનું આગમન થયું હતું જ્યારે વર્ષ ૨૦૧૪માં નિયત સમય ૧૫ જૂને ચોમાસું બેઠું હતું વર્ષ ૨૦૧૬માં ચોમાસાના આગમનની તારીખ ૨૨ જૂન હતી. તો વર્ષ ૨૦૧૭માં ૧૨ જૂને પ્રથમ વરસાદ વરસ્યો હતો વર્ષ ૨૦૧૮માં ૨૩ જૂને મેઘરાજાની પધરામણી થઇ હતી. જ્યારે વર્ષ ૨૦૧૯માં ૨૫ જૂનના રોજ સત્તાવાર ચોમાસું બેઠું હતું..
જૂન મહિનામાં પડેલા વરસાદની વાત કરીએ તો વર્ષ ૨૦૨૦માં જૂનમાં ૧૪ ટકા વરસાદ વરસ્યો હતો. તો વર્ષ ૨૦૨૧માં ૧૨ ટકા વરસાદ થયો હતો. રાજ્યમાં સરેરાશ ૩૪ ઇંચ વરસાદની સામે હજુ સરેરાશ બે ઇંચ જ વરસાદ થયો છે. જે કુલ વરસાદના ફક્ત ૫.૫ ટકા જ છે. છેલ્લાં ૪ વર્ષમાં આ વર્ષે ચોમાસાની સૌથી ધીમી શરૂઆત છે.
છેલ્લા ૫ વર્ષના ગુજરાતના સરેરાશ વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ ૨૦૧૭માં ૩૫.૭૭ ઇંચ સરેરાશ વરસાદ વરસ્યો જે કુલ ૧૧૨.૧૮ ટકા છે. વર્ષ ૨૦૧૮માં ૨૫.૧ ઇંચ સરેરાશ વરસાદ વરસ્યો જે કુલ ૭૬.૭૩ ટકા છે. વર્ષ ૨૦૧૯માં કુલ ૪૬.૯૫ ઇંચ સરેરાશ વરસાદ રહ્યો જે ૧૪૬.૧૭ ટકા નોંધાયો.
વર્ષ ૨૦૨૦માં સરેરાશ વરસાદ ૪૪.૭૭ ઇંચ પડ્યો જેની ટકાવારી ૧૩૬.૮૫ રહી. વર્ષ ૨૦૨૧માં સરેરાશ વરસાદ ૩૨.૫૬ ટકા વરસાદ વરસ્યો. જેની કુલ ટકાવારી ૯૮.૪૮ ટકા રહી છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં ચોમાસાની પેટર્ન સતત બદલાતી રહી છે. જેની અસર ગુજરાત પર પણ પડી રહી છે.