સૌરાષ્ટ્રના દરિયાકિનારા તરફ વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના
મુંબઈ પાસે બની રહેલું હવામાનનું દબાણ ગુજરાત તરફ આવતા વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે
(એજન્સી) અમદાવાદ, મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત થઈને સૌરાષ્ટ્ર તરફ દરિયામાં બનેલું લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી કરતા વિન્ડી ડોટ કોમ મુજબ ગ્રાફિકલ ઈમેજમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે મુંબઈ પાસે બની રહેલું હવામાનું દબાણ ગુજરાત તરફ આવતા વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. જાેકે, આ અંગે મહારાષ્ટ્ર કે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આ અંગે આગાહી કરવામાં આવી નથી.
ખાનગી વેબસાઈટ દ્વારા જે હવામાનની આગાહી કરવામાં આવી રહી છે તેમાં હળવું વાવાઝોડું આકાર લીધા સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટકશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જાે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધશે તો આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
વિન્ડી વેબસાઈટ મુંજબ હાલ મુંબઈના દરિયાથી દૂર સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં હવામાનું દબાણ બની રહ્યું છે. ૨૭મી તારીખે બપોર સુધીમાં હવાનું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પછી તે આગળ વધતા ૨૮મી તારીખે બપોરે માંગરોળના દરિયાકાંઠે ટકરાશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જાે આ ખાનગી વેબસાઈટની આગાહી પ્રમાણે હવામાન રહ્યું તો સૌરાષ્ટ્રના દક્ષિણ અને પશ્ચિમના દરિયામાં ભારે કરંટ જાેવા મળશે.
ખાનગી વેબસાઈટની આગાહી પ્રમાણે જાે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાશે તો તેની અસર માંગરોળ સહિત વેરાવળ, કોડિનાર, પોરબંદર, ગડુ, ટીમરી, કેશોદ સહિતના વિસ્તારમાં વર્તાઈ શકે છે.
રાજ્યના હવામાન વિભાગે વેબસાઈટ પર રજૂ કરેલા આગાહી પ્રમાણે આજે થતા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આજે નવસારી, વલસાડ, ડાંગ અને સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ તથા દીવમાં ભારે વરસાદ થવાની આગાહી છે.
તારીખ ૨૭ અને ૨૮ દરમિયાન પણ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે પછી ૨૯ તારીખે ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ થવાની આગાહી છે. ભારે વરસાદ સાથે ૩૦-૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ વકી છે.