અગ્નિપથ હેઠળ ભારતીય વાયુ સેનાને ૫૬,૯૬૦ અરજી મળી
નવી દિલ્હી, ભારતીય વાયુસેનાને અગ્નિપથ ભરતી યોજના હેઠળ ૫૬,૯૬૦ અરજી મળી છે. યોજના માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા આના વિરુદ્ધ અમુક રાજ્યોમાં હિંસક વિરોધ પ્રદર્શનના એક અઠવાડિયા બાદ શુક્રવારે શરૂ થઈ હતી. વાયુસેનાએ રવિવારે ટ્વીટ કરી, “૫૬૯૬૦! આ અગ્નિપથ ભરતી અરજી પ્રક્રિયાના જવાબમાં વેબસાઈટ પર ભવિષ્યના અગ્નિપથથી અત્યાર સુધી પ્રાપ્ત અરજીની કુલ સંખ્યા છે.
રજિસ્ટ્રેશન પાંચ જુલાઈએ બંધ થઈ જશે. ૧૪ જૂને અગ્નિપથ યોજના રજૂ કરતા સરકારે કહ્યુ હતુ કે સાડા ૧૭થી ૨૧ વર્ષની ઉંમરના યુવાનોને ચાર વર્ષના સમય માટે ભરતી કરવામાં આવશે. જેમાંથી ૨૫ ટકાને બાદમાં કાયમી નોકરી માટે સામેલ કરાશે. દેશના અમુક વિસ્તારમાં આ યોજના વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શન થયા હતા. હવે આટલી બધી અરજી મળવાથી પ્રશ્ન ઉઠી રહ્યા છે કે આખરે આના વિરોધની કેટલી અસર થઈ.
સરકારે ૧૬ જૂને આ યોજના હેઠળ ભરતી માટે વયમર્યાદાને વર્ષ ૨૦૨૨ માટે ૨૧થી વધારીને ૨૩ વર્ષ કરી દેવાઈ હતી. સાથે જ બાદમાં તેમની સેવાનિવૃતિ પર કેન્દ્રીય અર્ધસૈનિક દળો અને સાર્વજનિક ક્ષેત્રના રક્ષા વિભાગમાં તેમના માટે પસંદગી જેવા કેટલાક પગલાની જાહેરાત કરી હતી.
ભાજપ શાસિત અમુક રાજ્યોએ પણ જાહેરાત કરી કે અગ્નિવીરોને રાજ્ય પોલીસ દળમાં સામેલ થવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. સશસ્ત્ર દળોએ એ સ્પષ્ટ કરી દીધુ છે કે નવી ભરતી યોજના વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શન અને આગ લગાવનારાને ભરતી પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે નહીં.SS2KP