257 કરોડના ખર્ચે મહુવાથી અમરેલી વચ્ચે બાધડા સુધીના 50 કી.મી. રસ્તો પહોળો કરાશે

પ્રતિકાત્મક
રૂા. ૪૫૧.૫૦ કરોડના ખર્ચે બાધડા – અમરેલીના ૫૦.૪૮ કી.મી.નો ૧૦ મીટર પહોળો રસ્તો બનાવાશે
રૂા. ૪૫૦ કરોડના ખર્ચે ભિલોડા – શામળાજી નેશનલ હાઇવે 168-G નો નવો ૧૦ મીટર પહોળો રસ્તો બનશે-રૂા. ૨૫૦ કરોડના ખર્ચે જામનગર – કાલવાડ નેશનલ હાઇવે-927-D ને ચાર લેન રસ્તો બનાવાશે
માર્ગ અને મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યુ છે કે, ગુજરાતના પનોતા પુત્ર અને વૈશ્વિક નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના નાગરીકોને પરિવહન સુવિધાઓનો વધુને વધુ લાભ મળે તે માટે ગુજરાતમાં રૂ।. ૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે નવા ૩૪ જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર કર્યા છે.
ગુજરાતના નાગરીકો વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી શ્રી નિતીન ગડકરીનો મંત્રીશ્રીએ આભાર વ્યક્ત કર્યો છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રૂા. ૨૫૭ કરોડના ખર્ચે મહુવાથી અમરેલી વચ્ચે બાધડા સુધીના ૫૦.૪૮ કી.મી.ના ૧૦ મીટર પહોળા રસ્તાનુ નિર્માણ કરાશે. જેના પર ૨(બે) રેલવે ઓવરબ્રિજ અને નવા પુલીયાનુ નિર્માણ થશે. આ રોડ પર ૧૦૦ કી.મી.ની સ્પીડ સુધી વાહનો દોડી શકશે.
આ ઉપરાંત રૂા. ૪૫૧.૫૦ કરોડના ખર્ચે બાધડા – અમરેલીના ૫૦.૪૮ કી.મી.નો ૧૦ મીટર પહોળો રસ્તો બનાવાશે. જેમા અમરેલી બાયપાસ તેમજ બગસરા જવા માટે નદીના પુલ તથા રેલવે ઓવરબ્રિજનુ નિર્માણ કરાશે.
આ ઉપરાંત રૂા. ૪૫૦ કરોડના ખર્ચે ભિલોડા – શામળાજી નેશનલ હાઇવે 168-G નો નવો ૧૦ મીટર પહોળો રસ્તો બનાવાશે. જેના પર નવા નાના પુલ તથા ભીલોડા બાયપાસનુ નિર્માણ કરાશે. તે જ રીતે આહવા-સાપુતારા નેશનલ હાઇવે-953 માર્ગને પણ ૧૦ મીટર પહોળો બનાવી હયાત રસ્તાનુ અપગ્રેડેશન કરાશે. વધુમાં રૂા. ૨૫૦ કરોડના ખર્ચે જામનગર – કાલવાડ નેશનલ હાઇવે-927-D ને ચાર લેન રસ્તો બનાવાશે. જે માટે જમીન સંપાદન તેમજ જંગલ વિસ્તારની મંજૂરીની પ્રક્રિયાઓ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યના નાગરીકોને યાતાયાતની સુવિધાઓમાં વધારો થાય તે માટે રાજ્ય સરકારે છેલ્લા ૬ માસમાં રાજ્યના ૩૩ જિલ્લાઓમાં રૂા.૧૨,૨૦૦ કરોડના ખર્ચે વિવિધ માર્ગ નિર્માણ-વિકાસના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણના કામોની કામગીરી પ્રગતી હેઠળ છે.